પતિની અંતિમ યાત્રા સ્મશાન સુધી પહોંચે તે પહેલા જ પત્નીએ પકડી અનંતની વાટ, પતિ પત્નીએ સાથે જીવવા મરવાનું વચન કર્યું પૂરું, અમર પ્રેમ કહાની
સપ્તપદી વખતે આપવામાં આવતા વચનો નિભાવવાની ઇચ્છા તો દરેક દંપતીની હોય અને તે માટે તમામ પ્રયત્નો પણ સંસ્કારી દંપતીઓ કરતા જ હોય છે. પરંતુ બહુ ઓછાં દંપતીના નસીબ એવા હોય છે કે જેમણે લગ્ન જીવન સાથે નિભાવ્યા બાદ મોતની સફર પણ સાથે જ તય કરવાની આવી હોય.
એક બીજા વગર નહીં જીવવાના વચન ને મોત પણ ખોટા પાડી શકતું નથી. જીવન સફર સાથે વીતાવી છે, તો હવે જીવ જ્યારે બ્રહ્માંડની સફરે ચાલી નિકળે ત્યારે પણ સાથે જ રહેવાની ઇચ્છાને પ્રભુ પણ સ્વીકારની મહોર મારે છે.

આવો જ એક બનાવ મોરબીના સાદુળકામાં બન્યો હતો. પતિનું મોત થયું, તેમની સ્મશાનયાત્રાની તૈયારીઓ થઇ રહી હતી, નનામી બંધાઇ, પતિને કાયમી વિદાય આપવા ન માગતા હોય તેમ પત્નીની તબીયત અચાનક લથડી અને તેઓ પણ પતિના પગલે ચાલી નિકળ્યા. ગણતરીના કલાકોમાં બે મોભી ચાલ્યા જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું.

મોરબીના સાદુળકામાં રહેતા વૃદ્ધનું અવસાન થતાં આજે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. જો કે વૃદ્ધની સ્મશાનયાત્રા સ્મશાન સુધી પહોંચે તે પહેલાં તેમના પત્ની પણ અચાનક અવસાન પામ્યા હતા. પિતાના મૃત્યુથી દુઃખી પરિવાર હજુ સ્વસ્થ થાય ત્યાં માતાનું પણ અવસાન થતાં પરિવાર પર જાણે વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
અહેવાલો અનુસાર, મોરબી તાલુકામાં સાદુળકા ગામે રહેતા પથુભા ચકુભા ઝાલા નામના વૃદ્ધનું અવસાન થતાં પરિવાર જનો અને સગા સંબંધીની હાજરીમાં સોમવારે સવારે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. સ્મશાન યાત્રા હજુ સ્મશાન સુધી પહોંચે તે પહેલા દામ્પત્યજીવનમાં સાથે જીવવા મરવાનો જાણે કોલ આપ્યો હોય તેમ પથુભાના પત્ની વિલાસબા ઝાલાએ પણ જીવનલીલા સંકેલી લીધી હતી અને પતિની સાથે જ અનંતની વાટ પકડતા ઝાલા પરિવાર અને સાદુળકા ગામા માં શોકનું વાતાવરણ છવાયું હતું.

દંપતીએ નક્કી કર્યું હતું, કે જીવન સારું જીવ્યા મોત પણ એવું મળે
ખેતીનો વ્યવસાય કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જ જિંદગીભર રહેલા પથુભાની 100 વર્ષની ઉંમરે પણ આંખ જબરી તેજ હતી અને નરી આંખે જોઈ શકતા અને યાદ શક્તિ પણ હજુ સારી હતી કે પરિવારના દરેક વ્યક્તિ જોઈને ઓળખી જતા હતા. તેમના પત્નીની ઉંમર પણ 95 વર્ષની આસપાસ હતી.

તેઓ પણ સ્વસ્થ જીવન જીવતા હતા. દંપતિએ ત્રણ પેઢીને નજરે જોઈ હતી. તેઓએ અગાઉ પણ તેમના સંતાનોને જણાવી દીધું હતું કે તેમના અવસાન બાદ કોઈ પણ પ્રકારનો શોક ન પાળવો કે વિલાપ ન કરવો તેઓએ તેમનું જીવન ખૂબ સારી રીતે જીવ્યા છે મૃત્યુ પણ તેવી જ રીતે મેળવવું છે.