પોતાની પત્નીને બચાવવા માટે ખભ્ભા પર લઈને નીકળ્યા વૃદ્ધ વ્યક્તિ, પણ રસ્તામાં જ પત્નીએ તોડી દીધો દમ, વૃદ્ધ વ્યક્તિ ધ્રુસકે ને ધ્રુસકે..
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. લોકોનો સંપર્ક તૂટી ગયો છે. કોઈ વાહનની અવરજવર થઈ શકતી નથી. આ દરમિયાન નંદુરબાર જિલ્લામાંથી હૃદયને ચીરી નાખતી એક તસવીર સામે આવી છે. અહીંયા એક લાચાર વૃદ્ધ પતિ પત્નીને ખભા પર ઊંચકીને જતો જોવા મળ્યો હતો.

નિઝર તાલુકાની પાસે આવેલા નંદુરબાર જિલ્લાના ચાંદસેલી ગામની સિદલીબેન પાડવીને પેટમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. પરંતુ ચાંદસેલી ઘાટ તરફ જવાના રસ્તા પર ભૂસ્ખલનને લીધે રસ્તો બંધ થઈ ગયો હતો. પરંતુ વૃદ્ધ પતિએ હિંમત હાર્યા વગર પત્નીને ખભા પર ઊંચકી હોસ્પિટલ ભણી દોટ મૂકી હતી.

આ માર્મિક તસવીર નંદુરબાર જિલ્લાના ચાંદસૈલી વિસ્તારની છે. અહીંયા ભારે વરસાદ પડતો હતો અને તેથી જ અવરજવરના તમામ રસ્તાઓ બંધ હતા. અહીંયા રહેતા એક વૃદ્ધની પત્ની સિદલીબાઈની અચાનક તબિયત ખરાબ થઈ હતી. રસ્તા બધા જ ધોવાઈ ગયા હતા. આથી પતિએ પત્નીને ખભે ઊંચકી લીધી હતી.

પરંતુ કમનસીબે 5 કિલોમીટર ચાલ્યા બાદ સિદલીબેન પાડવીનું પતિના ખભા પર મૃત્યુ થઈ ગયું હતું. અને સાતપુડા પર્વતીય વિસ્તારના આદિવાસીઓની કમનસીબી અને દુઃખ ફરી એક વખત સામે આવ્યું છે.

પત્નીનું મોત થયા બાદ વૃદ્ધે રસ્તા વચ્ચે લાશ મૂકી હતી અને ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. અને તે પોતાના નસીબને અને સરકારને દોષ આપતો હતો. કોઈ પણ વ્યક્તિ તેની મદદે આવ્યું નહોતું. અંતે વૃદ્ધ વ્યક્તિ ખભા પર પત્નીની લાશ મૂકીને ગામ પરત ફર્યો હતો.