અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર કરાયેલા છોકરાનું હ્રદય યુક્રેનની છોકરીમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ, છોકરીએ તેના માતા-પિતાને કરાવ્યો યુક્રેનનો પ્રવાસ..
તાજેતરમાં કેટલાક સમયથી સુરતમાંથી અંગદાન કરવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના એક છોકરાનું હાર્ટ યુક્રેનની છોકરીમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. 270 કિમીનું અંતર 86 મિનિટમાં કાપી યુક્રેનની છોકરીમાં આ યુવકનું હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ.

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા રવિભાઈ દેવાણીનો વર્ષ 2021માં ઓગસ્ટ મહિનામાં અકસ્માત થયો હતો અને તે બાદ તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના હ્રદય સહિત કેટલાક અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ.

રવિના હ્રદયને 87 મિનિટમાં સુરતથી મુંબઇની હોસ્પિટલ પહોંચાડવમાં આવ્યુ હતુ અને ત્યાં સારવાર લઇ રહેલી યુક્રેનની નતાલીયામાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. હવે આ છોકરીએ રવિના માતા-પિતાને યુક્રેન બોલાવ્યા હતા.

દીકરા રવિના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળી માતા-પિતા ખુબ જ ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાંથી આસુ સરી પડ્યા હતા. નતાલિયાએ રવિના માતા-પિતાને યુક્રેન ફરાવ્યા હતા અને તે પણ પૂરા સમ્માન અને સત્કાર સાથે. ત્યારે નતાલિયાને જોતા તેઓ ગદગદિત થઇ ગયા હતા. રવિની વાત કરીએ તો તેનો અમદાવાદ ખાતે 20 ઓગસ્ટ 2021ના રોજ અકસ્માત થયો હતો.

તેનો ગાય સાથે અકસ્માત થતા તે બેભાન થઇ ગયો હતો અને સારવાર દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. રવિની સારવાર સુરતના પરવત પાટિયા સ્થિત હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ તબિયતમાં કોઇ સુધારો ન થતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રવિના હ્રદય સાથે સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા. રવિના માતા-પિતા કહે છે, અમે અમારા દીકરાને તો બચાવી શક્યા નહીં પણ બીજાના શરીરમાં જીવતો રહે માટે અમે અંગ દાન નો વિકલ્પ પસંદ કર્યો હતો.
