સુરતના કાર્તિક જીવાણીએ UPSCમાં વગાડ્યો ડંકો, વગર કોચિંગે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8મુ સ્થાન પ્રાપ્ત કર્યું
સુરતના કાર્તિક જીવાણીએ 3 વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. ઘણા વર્ષો બાદ ગુજરાતના વિદ્યાર્થીને ટોપ ટેનમાં સફળતા મળી છે. કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતથી કરી હતી.
તેણે દિલ્હી કોઈ પણ કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા ન હતા પરંતુ ઓનલાઇન ક્લાસીસ કરતો હતો. દિલ્હીના તમામ યુપીએસસીના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો અને તેના આધારે તૈયારીઓ કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તેણે મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો.

કાર્તિક જીવાણીએ વર્ષ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ તેણે ફરી પરીક્ષા આપવાનું વિચાર્યું. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબ એ પ્રકારે હતું કે બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS બનતા રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ થયું છે.

અહેવાલો અનુસાર તે દરરોજ આઠથી દસ કલાકનું વાંચન કરતો હતો. જેમાં તે મહદઅંશે આખી રાત વાંચતો હતો અને સવારે સૂતો હતો આ પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલી સફળતા માટે તેણે સંપૂર્ણ શ્રેય માતા-પિતાને આપ્યો હતો.

કાર્તિક જીવાણીના કહ્યા અનુસાર, જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ ઘણી વખત જાગતા રહેતા હતા. જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી મમ્મી અડધી રાતે પણ મારા માટે ચા બનાવી આપતી હતી. અને તેના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું.

કાર્તિક જીવાણીએ જણાવ્યું કે, હવે ધીરે ધીરે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ જીપીએસસી અને યુપીએસસી તરફ આગળ વધી રહ્યું છે. સતત ન્યૂઝ પેપરનું વાંચન કરતા રહેવું જોઈએ, પહેલા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોને એક જ કારણે સતત તેને લખવાની કન્ટિન્યુસ પ્રોસેસ કરવી જોઈએ અને રિવિઝન સતત કરતા રહેવું જોઈએ. જેના કારણે આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ સરળ થઈ જાય છે.

કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આઈપીએસની ટ્રેનિંગ પૂર્ણ થવામાં હવે માત્ર દોઢ મહિનો બાકી છે. હવે તે આઈએએસની ટ્રેનિંગ માટે મહેસૂલ જશે અને ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.