ટ્રેન નીચે કપાવવા જતી MBA પાસ છોકરીનો ઓટો ડ્રાઈવરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બચાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

મધ્યપ્રદેશના બૈતુલમાં સોમવારે ઓટો ડ્રાઈવરની તત્પરતાને કારણે એક છોકરીનો જીવ બચી ગયો છે. છોકરી સુસાઈડ કરવાના ઈરાદે રેલવે ફાટકની પાસે પાટા પર ઊભી રહી ગઈ હતી. સામેથી ટ્રેન આવી રહી હતી. આ દ્રશ્યો જોઈને ઓટો ડ્રાઈવરે ફાટક પાર કર્યું અને છોકરીને ખેંચી લીધી. જેના પછી તરત જ ધસમસતી ટ્રેન પસાર થઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર જો થોડી સેકન્ડ પણ મોડું થયું હતો તો છોકરીનું મોત નિશ્ચિત હતું. આ ઘટનાની ફરિયાદ પોલીસમાં નથી કરવામાં આવી.
આ ઘટના સોનાઘાટી વિસ્તારમાં પોલિટેક્નિક કોલેજ તરફ જતા રસ્તા પર પડતા ફાટકની છે. જ્યાં બપોરે 12-30 વાગ્યે અહીંથી ઈટારસી તરફ જતી સંઘમિત્રા એક્સપ્રેસ ફાટકને ક્રોસ કરે છે. ટ્રેન આવવાનો સમય હોવાને કારણે ફાટક બંધ હતું.
ઓટો ડ્રાઈવર મોહસિને જણાવ્યું કે તે સવારી લઈને સોનાઘાટી તરફ જઈ રહ્યો હતો. તે ફાટક બંધ હોવાથી ત્યાં જ ઊભો હતો. આ દરમિયાન તેને જોયું કે એક છોકરી ફાટકની પાસે ઊભી છે તેને સફેદ દુપટ્ટાથી તેનું મોઢું ઢાંકી રાખ્યું હતું. ટ્રેન આવતી હોવાનો અવાજ સાંભળતા જ તે ટ્રેક પર દોડી હતી. મોહસિનને છોકરીને જોઈને થોડી શંક ગઈ હતી.
મોહસિને જણાવ્યું કે જેવી જ ટ્રેન નજીક આવી તે છોકરી પાટાની વચ્ચે જઈને ઊભી રહી ગઈ. તે જોઈને હું તેને બચાવવા માટે દોડ્યો. તેને પકડીને ખેંચવા લાગ્યો, પરંતુ તે હટવા માટે તૈયાર જ ન હતી. જેમતેમ કરીને તેને પકડીને હટાવી. જો એક ક્ષણ પણ મોડું થયું હોત તો છોકરીએ જીવ ગુમાવ્યો હોત.
જે બાદ તેને પાટા પરથી દૂર કરી તો તે રડવા લાગી હતી. તેને સમજાવી પણ ખરી પરંતુ તે કંઈજ સાંભળવા માટે તૈયાર જ ન હતી. તે પછી છોકરીએ પરિવાર અંગે જણાવ્યું. તેમને ફોન કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. તેઓ છોકરીને ત્યાંથી ઘરે લઈ ગયા.
મળતી માહિતી મુજબ છોકરી MBA પાસ છે. લાંબા સમયથી તે તેની તબિયતને લઈને પરેશાનીઓનો સામનો કરી રહી છે અને જોબ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં જતી રહી છે. તેના કારણે આ પગલું ભરી રહી હતી.