માતા એક્ટિવા લઈ બાળકોને શાળાએ મૂકવા જતાં પાણીમાં તણાયાં, પુત્ર-પુત્રીનાં થયા મોત, માતાનો આબાદ બચાવ..
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં. જેમાં પુત્રી અને પુત્રના મોત થયા હતા.

આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. પાલીતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતા મીનાબેનનો બચાવ થયો છે. જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

ઘણી શોધખોળ બાદ બાળકોના મૃતદેહો મળ્યા હતા. આ ઘટનાને લઈ તાત્કાલિક પાલીતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ કરાતાં તેણે ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. એમાંથી બંને તણાયેલાં બાળકોની લાશ કલાકોની જહેમત બાદ મળી હતી.

મરણ પામનારાં જેઠવા કિરણ રાજુભાઈ (ઉંમર 12) તથા જેઠવા વિનય રાજુભાઈ (ઉંમર 18)ના મૃતદેહો મળ્યા હતા. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલીતાણામાં શોકનું વાતાવરણ છવાયું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.