રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર નિભાવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરમાં નિધન

રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર નિભાવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરમાં નિધન

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું પ્રખ્યાત પાત્ર નિભાવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણાં નાટક, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે.

મૂળ વતન છે ઈડરનું કુકડિયા ગામ

મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોથી કરી હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.

રિયલમાં હતા રામભક્ત

આ ઓન સ્ક્રીન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં પ્રખ્યાત બન્યા હતા. ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતા. આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના તસવીરની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો. શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતા, કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણા જ અપમાનજનક સંવાદો કહ્યા હતા.

300 ફિલ્મ્સમાં કર્યું હતું કામ

અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘હોથલ પદમણી’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મો આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

મળ્યાં છે અનેક સન્માનો

ગુજરાત સરકારથી લઈને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા છે. ‘રામાયણ’ના આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ પણ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં સફળ રહેલાં અરવિંદ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ‘રામાયણ’ના આ ખલનાયક રિયલ લાઇફમાં પણ નાયક હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *