માતા-પિતા જીવતા હતા ત્યારે ભગવાનની જેમ પૂજ્યાં ને મર્યાં બાદ બનાવ્યું અનોખુ મંદિર, ધન્ય છે આ દીકરાઓને

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં ડાભા ગામે એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે સામાન્ય સાયકલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્વ. બાબર રોહિત તથા તેમનાં પત્ની સોના રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના સંતાન વલ્લભ રોહિતે એમનું મંદિર બનાવ્યું છે.
માતા પિતા પ્રત્યે આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી
વલ્લભ રોહિત વ્યવસાયે એક ખેડૂત અને વ્યાપારી વ્યક્તિ છે. અને ખુબજ સાદગી પૂર્ણ જીવન જીવે છે. તેમને માતા પિતા પ્રત્યે ખુબજ આદર ભાવ રાખે છે. 2016 દરમિયાન એમના માતા સોના રોહિતનું નિધન થઈ ગયું અને ત્યાર બાદ વર્ષ 2019માં એમના પિતાનું અવસાન થતાં તેઓએ માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવી નાખ્યુ છે.
વૃદ્ધાશ્રમમાં માં-બાપને રઝળવા છોડી મુકતા સંતાનો માટે ઉત્તમ ઉદાહરણ
વલ્લભ દરરોજ દિવસની શરૂઆત માતા પિતાના મંદિરે જઈ એમની પૂજા અર્ચના કરીને કરે છે. એમના માતા-પિતાના મંદિરમાં એમની મૂર્તિઓની સાથે સાથે એમનાવસ્ત્રો અને બૂટ-ચંપલ પણ છે. આ વાત તમામ લોકોને સબક આપે છે. જે લોકો વૃદ્ધાશ્રમમાં એમના માં-બાપ ને રઝળવા છોડી મૂકે છે. આ મંદિર એ તમામ લોકોને માતા-પિતાનું આદર અને સન્માન કરવાની શીખ પુરી પાડે છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન વલ્લભએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 33 કરોડ દેવી દેવતાઓના મંદિર છે. જયારે માતા પિતા ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય પણ એમનું મંદિર નથી. માટે લોકોમાં માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી છે. આ મંદિરમાં અન્ય લોકો પણ આવે છે. અને શાંતિનો અનુભવ કરે છે. અહીં આવનાર લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.