રાજકોટમાં પતિએ નિભાવ્યાં સાત ફેરાનાં વચનો, પોતાની પત્ની ની બંને કિડની ફેલ થતા એક કિડની આપી આપ્યું નવજીવન..
આજે વિશ્વ અંગદાન દિવસ છે. કહેવાય છે કે જો સાચો જીવન સાથી મળે તો જીવન બદલાય જાય છે. સપ્તપદીમાં આપેલા વચનો નિભાવનારા કિસ્સા હવે જવલ્લે જ જોવા મળે છે. ત્યારે રાજકોટના એક વૃદ્ધ દંપતીનો કિસ્સો દાંપત્ય જીવનને જીવી જાણ્યો છે. બે વર્ષથી પોતાની પત્ની કિડનીની બીમારીથી પીડાતી હતી.
પતિએ એક સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાની એક કિડની પત્નીને આપી નવજીવન આપી દીધું અને કહ્યું એક કિડની પર પણ સારી રીતે જીવી જ શકાય છે. આમ કરવાથી કોઈ નુકસાન થતું નથી. અન્ય લોકોને અંગદાન માટે આગળ આવવા અપીલ કરું છું.

પત્ની ને કિડની આપનાર 63 વર્ષીય ગોવિંદભાઈ સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારી પત્નીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેને લીધે ડોક્ટરની સલાહ લેતાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. બાદમાં મેં કિડની આપવાનો નિર્ણય કરતાં ડોક્ટરે મારા નિર્ણયને આવકાર્યો હતો. જરૂરી બધા ટેસ્ટ કર્યા બાદ મારી કિડની પત્નીને આપવામાં આવી હતી. આ ઓપરેશનને આજે 6 મહિના થઈ ગયા છે.

હું અને મારી પત્ની બંને બિલકુલ સ્વસ્થ છીએ. મને મારાં રૂટિન કામો કરવામાં કોઈ પણ તકલીફ પડતી નથી. અને પત્નીની જિંદગી બચાવી પતિધર્મ નિભાવ્યાનો આનંદ છે. ત્યારે લોકોએ પણ અન્યનો જીવ બચાવવા અંગદાન કરવા આગળ આવવું જોઈએ. બીજી તરફ પત્ની દિવાળીબેને પણ પતિ પર ગર્વ હોવાનું જણાવી નવજીવન મળ્યા બાદ પોતે બિલકુલ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

આ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરનાર ડોક્ટર દિવ્યેશભાઈ વિરોઝાએ જણાવ્યું હતું કે દિવાળીબેનનું પાંચેક મહિના સુધી ડાયાલિસિસ કર્યા બાદ કિડની બદલવી જરૂરી જણાયું હતું. જેને લઈને તેમના પરિવારે અને મેં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમના પતિએ જાતે ડોનર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જોકે કિડની ટ્રાન્સપ્લાન્ટને લઇને પરિવારના ઘણા પ્રશ્નો હતા. જેમાં કિડની આપનારને તેનાં જીવનમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. અને એક કિડની દ્વારા સારી રીતે જીવી શકાતું નથી જેવા પ્રશ્નો પરિવારના હતા. પરંતુ તેઓના આ તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ડોક્ટરે આપ્યા બાદ પરિવારે ગોવિંદભાઈને આ માટેની મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રિ- ટ્રાન્સપ્લાન્ટ વર્કઅપ કરીને છ મહિના પહેલા જ આ કામ પાર પાડ્યું હતું.

ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આજે 6 મહિના બાદ આ દંપતીને કોઈ પણ તકલીફ નથી અને બંને સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યાં છે. પોતે અંગદાન માટેની ખાસ મુહિમ ચલાવતા હોવાનું જણાવી તેમણે અત્યાર સુધીમાં લગભગ 170 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 101 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 3 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ અનેક લોકોના ચક્ષુદાન કરાવ્યા હોવાનું પણ કહ્યું હતું.
સાથે જ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે પરિવારે તરત જ તેનું અંગદાન કરી અન્ય વ્યક્તિના જીવ બચાવવા આગળ આવવા અપીલ કરી હતી.