વચ્છરાજ દાદા ની ઐતિહાસિક સ્થળનો ઘોડો દેવલોક પામ્યો, પૂજા આરતી કરી સન્માન સાથે સમાધિ અપાઈ

તમને જણાવતા બહુ દુઃખ થાય છે કે રણની મધ્યે આવેલી વાછડાદાદા (વચ્છરાજ દાદા)ની ઐતિહાસિક જગ્યાનો ઘોડો પંચભુતોમાં વિલીન થઈ ગયો છે. ઘોડાના નિધન બાદ તેને સમાધિ આપી આન-બાન-શાનથી વિદાય આપવામાં આવી હતી. દાદા એમના આત્માને શાંતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના.
ધોડાને સમાધિ આપતી વખતે હાજર સૌ ભાવી ભક્તો ભાવુક થઈને રડી પડ્યા હતા. ઘોડાની આરતી ઉતારી પૂજા કરી તેને સમાધિ આપવામાં આવી હતી. લોકોએ પુષ્પવર્ષા પણ કરી હતી. વાછડા દાદા લાખો ભાવિકોની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે. ભક્તો વાછડા દાદાને ખૂબ જ માને છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમના શરણે માથું નમાવીએ એટલે તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ગામડે ગામડે ગાયોની રક્ષા માટે જેમણે લગ્નની ચોરીએ બેઠા બાદ પણ પોતાની જાતનું બલિદાન આપ્યુ હતુ એ વિરપુરૂષ વચ્છરાજ સોલંકીની યાદમાં રણની મધ્યમાં આવેલી વાછડા દાદાની જગ્યા સૌકાઓથી હિન્દુ-મુસ્લિમ શ્રધ્ધાળુઓ માટે લોક હૈયામાં અનેરૂ સ્થાન અને માન ધરાવે છે.
વચ્છરાજ સોલંકી વાછડા દાદાની જન્મભૂમિની વાત કરવામાં આવે તો તેઓ બહુચરાજી તાલુકાના કાલરી ગામમાં રહેવાસી હતા અને રણ કાંઠો તેમની કર્મભુમિ છે તેવું માનવામાં આવે છે અને વચ્છરાજ સોલંકીને લોકો ખૂબ જ માને છે અને આ એક એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વિરગતીને વ્હાલી કરી અમરત્વ પામ્યા છે અને તેઓ હાલમાં પણ સાક્ષાત બેઠા છે તેવી પણ માન્યતાઓ માનવામાં આવે છે.
ગાયોની રક્ષા કાજે પોતાનું બલિદાન આપનાર વિરપુરૂષની વિરતાની વાતો કહેતી રણની મધ્યમાં આવેલા વચ્છરાજ દાદાની જગ્યામાં અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળામાં અંદાજિત 5500 જેટલી ગાયો છે. જેને બાંધવામાં આવતી નથી. તે આરામથી હરે-ફરે છે. આ ઐતિહાસિક જગ્યામાં ચૈત્ર માસની એકમથી પૂનમ સુધીના મેળામાં તો કુલ બે લાખથી વધુ લોકોનો માનવ મહેરામણ ઉમટે છે.
કચ્છના નાના રણમાં નાના-મોટા થઇને કુલ 73 બેટ આવેલા છે. પરંતુ આ બધા બેટમાંથી સમી તાલુકાના સીમાડે આવેલા વાછડા બેટની વાત જ જુદી છે. વેરાન રણમાં બધે જ ખારૂ પાણી છે. પરંતુ આ વચ્છરાજદાદાની ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે.
વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાના ઘોડાના નિધન બાદ દાદાની જગ્યાએ જ સમાધિ આપી આન-બાન-શાનથી વિદાય આપવામાં આવી હતી. ધોડાની સમાધિ વખતે હાજર બધા ભાવી ભક્તો ભાવુક થઈને રડી પડ્યા હતા.