રાજકોટના ભાઇ-બહેને ઓક્સિજન સિલિન્ડર માટે સૌરાષ્ટ્રની પ્રથમ વેબસાઇટ બનાવી, લોકોને મફતમાં ઓક્સિજન સિલિન્ડર પહોચાડે છે

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ઓક્સિજન સિલિન્ડર માટેની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ પરથી સરળતાથી ઓક્સિજન સિલિન્ડર એ પણ નિઃશુલ્ક મળી જશે. આ માટે દુબઇથી 520 ઓક્સિજન સિલિન્ડર રાજકોટ આવી પહોંચ્યા છે. 22 વર્ષના યુવાન જય માંડવીયા, તેની બહેન અને તેમની ટીમે www.brightoxyhelp.com નામની એક વેબસાઈટ તૈયાર કરી છે. જેના પરથી આપને માત્ર 20 મિનીટમા ઓક્સિજન સિલિન્ડર આસાનીથી મળી જશે.
એક સમયે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાના સ્વજનને બચાવવા માટે ઓક્સિજન લેવા લોકો આમ તેમ કરી ચારેબાજુ વલખા મારી રહ્યા હતા. જોકે હવે લોકોએ ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે વલખા મારવા નહિ પડે. માત્ર આંગળીના ટેરવે જ પોતાના મોબાઇલ પર www.brightoxyhelp.com નામની વેબસાઇટ પર માત્ર 20 મિનીટમાં સિલિન્ડર મળી શકશે. રાજકોટમાં જ રહેતા ભાઇ-બહેને તેમના મિત્રો સાથે મળી ટીમ વર્ક કરી સ્વખર્ચે દુબઇથી ઓક્સિજન સિલિન્ડર મગાવી સેવા શરૂ કરી છે.
રાજકોટમાં જ રહેતી એક યુવતી ડો. શિવાંગી માંડવીયા, તેના ભાઇ જય અને સાથી મિત્રોની મદદ વડે દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ www.brightoxyhelp.com બનાવી છે. જે બાદ હવે સૌપ્રથમવાર સ્વખર્ચે દુબઈથી ઓક્સિજન ઇમ્પોર્ટ કરીને માનવતાની મિશાલ કાયમ કરી છે.
ગઇકાલે સિલિન્ડર આવી ગયા બાદ આ સંસ્થા તાલુકા લેવલે કે જ્યાં સેવાઓનો અભાવ છે ત્યાં પણ સેવા ચાલુ કરવા જઇ રહ્યાં છે અને નવા ત્રણ સેન્ટર જામનગર જિલ્લાનું કાલાવડ, સુરેન્દ્રનાગરનું મુળી તેમજ જુનાગઢ જિલ્લામાં પણ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવા વિચારી રહ્યાં છે.
આ સેવાકાર્યમાં એક એક કરીને અનેક લોકો જોડાય રહ્યાં છે. જેથી ફક્ત ઓક્સિજન સિલિન્ડરનું સપ્લાય જ નહીં પરંતુ દર્દીઓને નાળિયેર વિતરણ તેમજ દર્દીર્ઓને વિનામૂલ્યે ઓનલાઈન માર્ગદર્શન પણ પહોંચાડી શકાય છે. આ કામમાં ફક્ત સંસ્થાના કાર્યકર્તાઓએ જ સહકાર નથી આપ્યો, પરંતુ જે લોકો ઓક્સિજન સિલિન્ડર લઈ ગયા હોય એવા ઘણા લોકો ફરીથી એ ઓક્સિજન સિલિન્ડર પોતાની રીતે ભરાવીને પાછા મૂકી ગયાના પણ દાખલા છે. જેથી બીજા લોકોને પણ મદદ થઇ શકે છે.