વિધવા પુત્રવધુના લગ્ન કરાવી સમાજ ને એક નવી પ્રેરણા આપતો પોરબંદરનો ગઢવી પરિવાર, વાંચીને તમે પણ તેમના કાર્યને બિરદાવશો..
આપણા સમાજમાં ઘણા રિવાજો છે. એમાં અમુક રિવાજો મહિલાઓને અન્યાયકર્તા છે. જેમ કે, લગ્ન બાદ કોઈ મહિલાનું કોઈ કારણોસર મૃત્યુ થાય તો તેના પતિને બીજા લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે ઘણી જ્ઞાતિઓમાં લગ્ન બાદ પતિનું મૃત્યુ થાય તો તે મહિલાને આખી જિંદગી વિધવા તરીકે પોતાનું જીવન ગુજારવું પડે છે. આ ઉપરાંત હાલ સામાન્ય રીતે એવો રિવાજ છે કે, લગ્ન બાદ તેણ પતિનું મોત થાય તો તે મહિલાને તેના પિયર પાછી મોકલી આપવામાં આવે છે. જ્યાં મહિલના માતા-પિતા ફરીથી તેના લગ્ન કરાવે છે. પણ પોરબંદર જિલ્લામાં આ કિસ્સો અલગ છે. પોરબંદરમાં બે વર્ષ પહેલાં વિધવા બનેલી પુત્રવધૂના તાજેતરમાં ધામધૂમથી લગ્ન કરાવી ગઢવી પરિવારે સમાજને અનેરો રાહ ચીંધ્યો છે.

પોરબંદરના જયુબેલી વિસ્તારમાં રહેતા અને ટાયરટ્યુબની દુકાન ચલાવતા ભરતભાઈ હમીરભાઈ ગઢવીના સૌથી નાના ભાઈ 28 વર્ષીય કુંજન તેના વિસ્તારમાં જ રહેતી 25 વર્ષીય રેખાબેન ઉમેદપુરી ગૌસ્વામી સાથે ફેબ્રુઆરી 2017 ના રોજ લગ્ન થયા હતા. લગ્ન પહેલા જ કુંજન બીમાર રહેતો હતો અને લગ્નના દસ મહિના બાદ જ તેનું બીમારીના કારણે મોત થતા સમગ્ર ગઢવી પરિવાર અને કુંજન સાથે લગ્ન કરનાર રેખાબેન પર આભ તૂટી પડ્યું હતું.

કુંજનના મૃત્યુ બાદ રેખાબેનની દેખભાળ ભરતભાઈ તથા તેનો સમગ્ર પરિવાર પોતાની દીકરીની જેમ કરતા હતા. ત્યાર બાદ રેખાબેનની હજી ઉમર નાની હોવાથી યોગ્ય પાત્ર શોધી પરણાવવાનો વિચાર ગઢવી પરિવારે કર્યો હતો. આથી તેને લાયક પાત્ર અને તે પણ તેમની જ જ્ઞાતિનું શોધવા પુત્રવધુ અને તેના માવતરને જણાવ્યું હતું.
પોરબંદરના ખાંભોદર રહેતા અને ટુર્સ અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હિતેશકુમાર નામનો યુવાન પસંદ આવતા રેખાબેનની મરજી મુજબ તાજેતરમાં જ રેખાબેન અને હિતેશકુમારના આર્યસમાજ વિધિ સાથે લગ્ન યોજવામાં આવ્યા હતા.

ભરતભાઈ અને તેમની પત્ની સીમાબેન, તેમજ ભરતભાઈના ભાઈ જીગ્નેશભાઈ અને તેની પત્ની ઉમાબેન તથા તેમના માતા જીવુબેને પુત્રવધૂ થઇને આવેલી રેખાબેન ને એક દીકરી તરીકે લગ્ન કરાવી આપ્યા હતા. આ સાથે, ગઢવી પરિવારે તેમને જરૂરી તમામ કરિયાવર પણ વસાવીને આપ્યો હતો. આમ પોરબંદર જિલ્લાના ગઢવી પરિવારે ક્રાંતિકારી નિર્ણય લઇ અને સમાજને અનેરો રાહ ચીંધ્યો હતો. સમાજ માટે એક સારું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.