ગુજરાતમાં 17 વર્ષની કિશોરી બ્રેનડેડ જાહેર થતાં એકસાથે 7 અંગોનું કરાયું દાન, જાણો કયા અંગોને ક્યાં કરાયા ડોનેટ

ગુજરાતમાં 17 વર્ષની કિશોરી બ્રેનડેડ જાહેર થતાં એકસાથે 7 અંગોનું કરાયું દાન, જાણો કયા અંગોને ક્યાં કરાયા ડોનેટ

ગુજરાતના વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર સમયે હાલોલની કિશોરીને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. જોકે આ કિશોરીના 7 અંગના દાન કરવામાં આવ્યા છે જેમાં હાર્ટ, ફેફસા, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું છે. એકસાથે 7 અંગોનું દાન કરવામાં આવ્યા તેવો વડોદરાનો આ પહેલો કિસ્સો છે. નંદનીનાં અંગોને હોસ્પિટલમાંથી લઈ જવામાં આવતાં હતાં ત્યારે તેના માતા-પિતા પોતાનાં આંસુ રોકી શક્યાં ન હતાં અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા હતા ત્યારે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો.

અંગોનું કઈ જગ્યાએ કરાયું દાન

હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઈ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું અંતર માત્ર 8 મીનિટમાં કાપ્યું હતું. આ ઉપરાંત કિડની, ચક્ષુ અને લિવર પણ ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ આઈ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. એકસાથે 7 અંગનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે.

તબીબોને બુધવારે સાંજે કિશોરીને બ્રેનડેડ જાહેર કરી

હાલોલ-ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં નીરજભાઇ શાહ અને ક્રિમાબહેન શાહની 17 વર્ષની મોટી દીકરી નંદનીની રાત્રે અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતા તરત જ દીકરીને હાલોલની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા વાઘોડિયા રોડ ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલમાં લઇ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેને બચાવી લેવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા, પરંતુ આખરે તેમને બુધવારે સાંજે 5 વાગે નંદનીને બ્રેનડેડ જાહેર કરવાની ફરજ પડી હતી.

હોસ્પિટલના ડોક્ટરે શું કહ્યું?

ડો. તરંગ શર્માએ જણાવ્યું હતું કે, સવારે દિલ્હી એઈમ્સની ટીમ હાર્ટ માટે, મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલની ટીમ ફેફસાં માટે વડોદરા આવી હતી અને નંદનીના શરીરમાં સર્જરી કરી હાર્ટ અને લંગ્સ સાચવીને બહાર કાઢ્યાં હતાં. એ જ રીતે કિડની, ચક્ષુ અને લિવર માટેની અલગ-અલગ ટીમો દ્વારા આ અંગો કાઢવામાં આવ્યાં હતાં અને એ અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં છવાયો સન્નાટો

નંદનીનાં અંગોને હોસ્પિટલમાંથી લઈ જવામાં આવતાં હતા ત્યારે નંદનીના માતા-પિતા પોતાનાં આંસુ રોકી શક્યાં ન હતાં અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો. સવિતા હોસ્પિટલની નર્સો દીકરીના વિલાપ કરી રહેલાં માતા-પિતાને સાંત્વન આપવા માટે દોડી ગઈ હતી અને તેમને હિંમત રાખવા માટે જણાવી રહ્યાં હતાં.

નંદીનાના પિતાએ સમાજને શું કરી અપીલ?

નંદનીના પિતા નીરજભાઇ શાહે જણાવ્યું હતું કે, અમારી પુત્રી નંદની એકાએક અમારી વચ્ચેથી વિદાય લેશે એની અમને સ્વપ્ને પણ ખબર ન હતી. ભલે અમારી દીકરી આજે અમારી પાસે સ્વદેહે નથી, પરંતુ તેનાં અંગોનું જે વ્યક્તિઓમાં પ્રત્યાર્પણ થશે એટલે અમને આનંદ થશે કે અમારી દીકરી આ ધરતી ઉપર છે. અમારી દીકરીનું હાર્ટ, લંગ્સ, કિડની, આંખો તેમજ લિવર બીજાને કામ લાગવાથી અમે ગૌરવ અનુભવીએ છે. ત્યારે સમાજને અમારી અપીલ છે કે, સમાજમાં ભલે જીવતાજીવ કોઈને કામ આવીએ કે ન આવીએ પરંતુ મૃત્યુ બાદ આપણાં અંગોનું દાન કરીને કોઈને કામ આવીએ તેવું કરવું જોઇએ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *