હું એક ડોકટર અને લોક સેવક છું, મારા કોઈ દુશ્મન નથી તેથી મારે કમાન્ડોની જરુર નથી- ડો. મુંજપરા

દરેક સાંસદ કે ધારાસભ્યની ઈચ્છા હોય છે કે, તે મંત્રી બનીને સરકારી કારમાં સિક્યુરિટી સાથે ફરે. જો કે, સુરેન્દ્રનગરના સાંસદ અને હાલમાં જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન બનેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ મંત્રી બનતા પોતાને મળેલી સરકારી ગાડી અને સિકયુરિટી લેવાનો સ્વેચ્છાએ ઈન્કાર કરી દીધો હતો અને રાજકારણીઓને નવી રાહ ચીંધી છે.
મુંજપરાએ 9 કમાન્ડોની સિક્યુરિટી અને કારની સુવિધા ના લીધી
ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને કેંદ્રમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ વિકાસના પ્રધાન બનાવવામા આવ્યા છે. કેંદ્રમાં મંત્રી હોવાના કારણે પ્રોટોકોલ મુજબ તેઓને 9 કમાન્ડોની સિક્યુરિટી આપવામાં આવે છે. આ સાથે સરકારી કાર પણ મળે છે. પરંતુ, ડો. મુંજપરાએ સુરેન્દ્રનગરની માફક દિલ્લીમાં પણ સાદગીનું ઉદાહરણ પુરું પાડી કાર અને સિકયુરિટી લેવાનો ઈન્કાર કર્યો છે. મુંજપરાએ કહ્યું કે, હું એક ડોકટર અને લોકસેવક છું, મારા કોઈ દુશ્મન નથી તો મારે સિક્યુરિટીની જરુર નથી.
પહેલી વખત સાંસદ અને મંત્રી પણ બન્યા
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામા આવી હતી. ડોકટર મુંજપરાએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ કોંગ્રેસના કદાવર નેતા સોમાભાઈ પટેલ સામે જીત મેળવી હતી.
સરકારે ડો. મુંજપરાના સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રદાનને જોઈ હવે કેંદ્રમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રાજનેતાઓમાં મંત્રી બન્યા બાદ જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે તે સિક્યુરિટી અને કારનો સ્વેચ્છાએ સ્વીકારવાનો ઈન્કાર કરી રાજકારણમાં નવી કેડી કંડારી છે.