વધુ એક ગુજરાતી જવાન માતૃભોમની રક્ષા કરતા થયો શહીદ, બનાસકાંઠાના મેમદપુરા ગામમાં છવાયો શોક..

તાજેતરમાં માતૃભોમની રક્ષા કરતા વધુ એક ગુજરાતી જવાન શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થતા પરિવારજનોમાં કરુણ આક્રંદ છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળે છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામના બીએસએફ રિટાયર્ડ જવાનસિંહ રાઠોડ (રાજપુત) ના દીકરો માઁ ભોમ ભારત માતાની રક્ષા કરતા જમ્મુ કાશ્મીરમાં ફરજ પર શહીદ થયા છે. જેમના પાર્થિવ દેહને સન્માનભેર તેમના વતન ખાતે લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
મેમદપુર ગામના રહેવાસી જશવંતસિંહ જવાનજી રાઠોડ વર્ષ 2011 માં બેંગ્લોર ખાતે ત્યારપછી નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી. ત્યારપછી જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં 17 રાષ્ટ્રીય રાયફલ બટાલીન આર્મીમાં ફરજ બજાવતાં હતા. જેઓ ફરજ દરમિયાન ભેખડ ધસી પડતા શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ધસી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહીદ થતાં પરિવારજનો અને આખા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
ત્રણ સભ્યો દેશની સેવામાં
જવાનસિંહ ભીખાજી રાઠોડ પોતે બીએસએફ રિટાયર્ડ છે. તેમના ત્રણ દીકરાઓમાંથી સૌથી મોટા દીકરો હસમુખસિંહ રાઠોડ આઈટીબીપીમાં ફરજ બજાવે છે. તેમનાથી નાનો દીકરો રણજીતસિંહ રાઠોડ એસઆરપીમાં ફરજ બજાવી રહ્યા છે અને સૌથી નાનો દીકરો જશવંતસિંહ રાઠોડ આર્મીમાં અત્યારે શહિદ થયા છે.
જવાનનાં શહીદ થયાની માહિતી મળતા જ સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. તેમના મૃતદેહને ટૂંક સમયમાં મેમદપુરા વતન લાવવા માટે કવાયત હાથ ધરવામા આવી છે.