જામનગરની અનાથ રન્નાને મળ્યા માતા-પિતા, હવે અમેરિકામાં થશે તેનો ઉછેર, માસુમ બાળકીની સોંપણી વખતે મહિલા સાંસદ ભાવુક થયા

જામનગરની કસ્તુરબા વિકાસ ગૃહ સંચાલિત સંસ્થામાં ઉછેર પામતી પાંચ વર્ષીય બાળકીને અમેરિકન દંપતીએ દત્તક લેતા આજે બાળકીની સોંપણી કરવામા આવી હતી. અમેરિકન દંપતીને આજે માતાપિતા બનવાનો મોકો મળતા ખુશ જોવા મળ્યા હતા. જ્યારે અમેરિકન દંપતીને બાળકીની સોંપણી કરવામા આવી હતી ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા સંસ્થાના દરેક લોકો ભાવુક થયા હતા.
સંસ્થામાં પાંચ વર્ષ રહ્યા બાદ રન્નાની વિદાય
આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2016 માં રન્નાને સંસ્થામાં લાવવામા આવી હતી. ત્યારથી જ તેનો અહીં ઉછેર કરવામા આવી રહ્યો હતો. અમેરિકન દંપતી દસ્તીન અને ટોની કલપેપરે બાળક દત્તક લેવા માટે કાર્યવાહી કરી રન્ના તેમને દત્તક આપવામા આવી હતી. સંસ્થામાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં રન્નાનો કબજો અમેરિકન દંપતીને આપવામાં આવ્યો હતો.
અનાથ માસુમ બાળકીને ઓળખ મળી
પાંચ વર્ષથી અનાથ બાળકી તરીકે સંસ્થામાં ઉછરી રહેલી રન્નાને હવે માતા-પિતાનો આધાર અને પ્રેમ મળી રહેશે. તો અમેરિકન દંપતીને પણ સંતાનનું સુખ પ્રાપ્ત થશે. બાળકીને મેળવી અમેરિકન દંપતી ખુશખુશાલ જોવા મળ્યું હતું. બાળકી પણ અમેરિકન માતા-પિતાના ખોળામાં બેસી ખુશ જોવા મળી હતી.
સાંસદ પૂનમબહેન માડમ ભાવુક થયા
કોઈ પણ જુએ તો પહેલી જ નજરે ગમી જાય તેવી બાળકીને આજે દત્તક આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના સાંસદ પૂનમબહેન માડમ થતા સંસ્થાના દરેક લોકો હાજર રહ્યા હતા. બાળકીને દત્તક લેનાર અમેરિકન દંપતીનું પૂનમબહેને સન્માન કર્યું હતું. બાળકીને જ્યારે અમેરિકન દંપતીને સોંપવામા આવી ત્યારે પૂનમબહેન ભાવુક થયા હતા.