ભુજના જૈન પરિવારની પુત્રવધૂ એ અંગદાન કરી સમાજમાં દાખલો બેસાડ્યો, અંગદાન કરી 5 જિંદગીને આપ્યું નવજીવન

આપણું શરીર સામાન્ય રોગથી બચી શકે છે, પરંતુ અસાધ્ય રોગથી બચી શકાતું નથી. અથવા તો તેના ખર્ચ પરવડે તેમ નથી હોતો, ત્યારે કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય, અને તેના પરિવારજનો મૃત્યુ પામનારા સ્નેહીનું અંગદાન કરે તે માત્ર દાન નથી પણ સાચા અર્થમાં સમાજ સેવા નું ઉદાહરણ છે. આવું જ એક પ્રેરણારૂપ ઉદાહરણ ભુજના જૈન પરિવારે આપ્યું છે.
ભુજના જૈન પ્રવિણાબેન ભરતભાઈ કાંતિલાલ વોરાના પુત્રવધૂ અને કમલબેન રમેશભાઈ રવિલાલ મહેતા ગાંધીધામના સુપુત્રી સ્વ. અર્પણા તુષાર વોરાના આકસ્મિક નિધન થયા પછી એમના પરિવારે એમની બંને આંખો, બે કિડનીઓ, લીવર, ફેફસાંનું દાન કરીને સમાજ સેવાનો દાખલો બેસાડ્યો છે.
બનાવ અંગે વાત કરતા સ્વ. અર્પણાના પતિએ જણાવ્યું હતું કે, ગત શનિવારે માત્ર માથું દુખવાની ફરિયાદ બાદ બીજે દિવસે દાક્તરી તપાસમાં બ્રેઈન સ્ટ્રોક થયો હોવાનું જણાતા વધુ સારવાર અર્થે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં મેજર ઓપરેશન કર્યા પછી પણ બચાવી શક્યા ન હતા. શનિવારે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે વોરા પરિવારે અંગ દાનનો નિર્ણય લીધો હતો.
તુષારભાઈએ જણાવ્યું હતું કે, મારા પરિવાર પર આવેલી અણધારી આફત બાદ એટલી ચોક્કસ લોકોને જણાવીશ કે માથાનો સામાન્ય દુખાવો પણ નજર અંદાજ ન કરવો જોઈએ.
આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત મિતેષ શાહે લોકોને અંગ દાન કરવું જોઈએ તે કોઈના જીવન દાન સમાન ગણાવી વધુને વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો.
જૈન કાંતિલાલ લક્ષ્મીચંદ વોરા પરિવારે જાગૃત માનવ તરીકેની ખૂબ પ્રશંસનીય કામગીરીનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંગોનું જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યાર્પણ પણ થઇ ગયેલ છે.