હરિયાણાના બે યુવાન ખેડુતોએ ધાબા પર ઉગાડ્યું કેસર, થઈ આટલા લાખની કમાણી

હરિયાણાના હિસારના બે યુવા ખેડુતોએ ધાબા પર એરોફોનિક પધ્ધતિ દ્વારા એક કિલો કેસરનો પાક રોપીને મોટી સિધ્ધિ હાંસલ કરી છે. યુવાન ખેડુતોએ ત્રણ મહિનાના સમયગાળામાં ઘરના ધાબા પર કેસરીની ખેતી કરીને દેશને નવો કરિશ્મો બતાવ્યો છે. માહિતી અનુસાર, આ ખેડુતોએ કેસરની ખેતી કરીને 6 થી 9 લાખનો નફો કર્યો છે. કેસરની ખેતી સામાન્ય રીતે જમ્મુ કાશ્મીર માં જ થાય છે. કેસરની ખેતી હરિયાણાના ખેડુતો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે અને આ દ્વારા ખેડુતોની આવક બમણી થઈ શકે છે. એરોફોનિક વિધિ દ્વારા ઇરાન, સ્પેન અને ચીનમાં કેસરનો પાક તૈયાર થતો હતો.
કોથકલામાં રહેતા આ બે સગા ખેડૂતો ભાઈ નવીન તથા પ્રવીણે કેસરની ખેતી કરવાની માહિતી યુ ટ્યૂબ પરથી લીધી હતી. કેસરના બીજ માટે તેઓ 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જમ્મુ-કાશ્મીરથી લાવ્યા હતા. તેમણે આઝાદ નગર સ્થિત ઘરમાં 15 બાય 15ના રૂમના ધાબા પર ટ્રાયલ તરીકે કેસરની ખેતી શરૂ કરી હતી અને આ પ્રોજક્ટને ઓગસ્ટથી નવેમ્બર મહિના સુધીમાં પૂરો કર્યો હતો.
આ યુવાન ખેડુતોનું માનવું છે કે, જો તમે સખત મહેનત, નિષ્ઠા અને લગન થી કોઈ કાર્ય કરો છો, તો તમે સરળતાથી મોટા કાર્યો પણ ખુબ જ આસાનીથી કરી શકો છો. અગત્યની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરમાં કેસરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેસરની સપ્લાય જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવે છે. કેસર દુકાનમાં ત્રણ લાખ રૂપિયાનું એક કિલો મળે છે.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માત્ર 7 થી 10 લાખની જ જરૂર પડે છે. જેમાં અનેક પ્રકારના મશીનરીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસરની ખેતી કરીને ખેડૂત પહેલા વર્ષમાં જ 10 થી 20 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે.
એકવાર ખેડૂત રેડ ગોલ્ડ વાવીને કેસરની ખેતી પાંચ વર્ષ સુધી કરી શકે છે. કારણ કે આ કામમાં મજૂરની જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ આ કાર્ય ખુબ જ સરળતાથી કરી શકે છે. કેસરના પાકનું વાવેતર ખુલ્લામાં કરી શકાય છે. પરંતુ, દિવસનું તાપમાન 10 થી 20 ડિગ્રી હોવું જોઈએ અને રાત્રનું તાપમાન 10 ડિગ્રી હોવું જોઈએ. 90 ટકા ભેજ હોવો જરૂરી છે. સૂર્યપ્રકાશ પાક ઉપર સીધા જ પડવો જોઈએ નહીં. જો સૂર્યપ્રકાશ ના આવતો હોય તો લાઈટનો ઉપયોગ કરી શકાય છે. આ માટે, બેક્ટેરિયા મુક્ત લેબ હોવી જરૂરી છે અને થર્મોકોલ પણ વાપરી શકાય છે.
આ સિવાય જે ફૂલ બહાર આવે છે. તેનો ઉપયોગ સાબુ, ફેસ માસ્ક, તેલ અને અન્ય વસ્તુઓ બનાવવામાં કરી શકાય છે. આ ખેડૂતોની હરિયાણા સરકારની માંગ કરી છે કે, કેસરની ખેતી કરવા સરકાર સબસિડી આપે તો હરિયાણાના ખેડુતો આ ખેતીકામને ધંધાનું કામ બનાવીને તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે. કેસરની માર્કેટમાં ખુબ જ માંગ છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો કોઈ ખેડુત આ કેસરની ખેતી કરવા માગે છે, તો તેમનો સંપર્ક કરી શકે છે. તેઓ કેસરની ખેતી કરવા માટે સંપૂર્ણ માહિતી આપીને ગાઈડ કરશે.