ગુજરાતી સિનેમા ને વધુ એક ઝટકો, પ્રખ્યાત અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન, ચાહકોમાં છવાઈ દુઃખની લાગણી..

ગુજરાતી સિનેમા ના પ્રખ્યાત અભિનેતા અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અરવિંદ રાઠોડ ફોટોજર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ઘણી ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટાભાગે વિલનનો રોલ માં જોવા મળતા હતા.
70ના દાયકામાં અરવિંદ રાઠોડે એક્ટિંગ કારકિર્દી ની શરૂઆત કરી હતી. તેમણે ‘જ્હોની ઉસકા નામ’, ‘મણિયારો’, ‘બદનામ ફરિશ્તે’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.
આ સિવાય અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયુ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.
અરવિંદ રાઠોડે 2015માં તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યું હતું. આ સમય દરમિયાન તેમના પરિવારના કોઈ પણ સભ્યો હાજર રહ્યાં નહોતા. ગાંધીનગરમાં શો દરમિયાન તેમને પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. આથી જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું.
23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક ‘મારી તો અરજી, બાકી તમારી મરજી’ દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળીઓ ખાઈને નાટક ભજવ્યું હતું. તેમના પગ વળી જતા હતા. દર્શકોને એવું લાગ્યું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે. પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી શકતા નહોતા. જોકે, તેમણે સવા બે કલાકનું નાટક પૂરું કર્યું. ત્યારબાદ તેઓ સીધા ડોક્ટર પાસે ગયા હતા.
ડોક્ટરે એક્સરે કરાવીને તમને તાત્કાલિક એડમિટ કર્યાં હતા. અલગ અલગ જાતના 22 રિપોર્ટ કરાવ્યા અને પછી બીજા દિવસે સવારે બંને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમના ઘૂંટણ 80% જેટલા ખરાબ થઈ ગયા હતા. તેમની સાથે તેમના પત્ની પદ્મારાણી સાથે હતા. પરંતુ તેમને મુંબઈ રવાના કરી દીધા હતા અને ઓપરેશનની પાંચ મિનિટ પહેલાં જ તેમને ફોન કર્યો હતો. આ રીતે અરવિંદ રાઠોડે ઓપરેશન દરમિયાન તેમના પત્ની કે પરિવારના અન્ય કોઈ પણ સભ્યને સાથે રાખ્યા નહીં.
ઓપરેશન બાદ અરવિંદ રાઠોડ થોડાં દિવસો સુધી પોતાના એક નજીકના સંબંધીના ઘરે રોકાયા હતા. અહીંયા આરામ કરીને પછી તેઓ મુંબઈ ગયા હતા.