ગુજરાતની દીકરી બની એસિડ એટેકનો ભોગ, સમાજે તરછોડી, મહેશ સવાણીએ કરાવ્યા પુન: લગ્ન, વિદાયવેળાએ સર્જાયા ભાવુક દ્રશ્યો..

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી હજારો દીકરીઓ માટે પાલક પિતા બની તેમના લગ્ન કરાવી પોતાની ફરજ વર્ષોથી નિભાવી રહ્યા છે. દર વર્ષે તેઓ ગરીબ, અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કોઈ પણ ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વિના કરવા છે. પણ હાલમાં તેમણે એસિડ એટેક પીડિતાના લગ્ન ફરી કરાવી સલામ કરવાનું મન થાય તેવું કાર્ય કર્યું છે. માનવતાની મિસાલરૂપ આ ઘટના સમાજમાં નવી ક્રાંતિ લાવી શકે તેવી છે.
તેમણે દીકરાના લગ્નના સાટામાં દીકરીના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ જયશ્રીના પતિએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો હતો. પતિને ગુમાવી બાદ જયશ્રીબેન ઘર ચલાવવાની તમામ જવાબદારી આવી પડી હતી. તો બીજી તરફ તેના ભાઈ અને ભાભીના લગ્નજીવનમાં પણ ભંગાણ પડ્યુ હતું. એટલે ભાઈ અને પિતાએ તેને તરછોડી દીધી હતી. ત્યાર બાદ જયશ્રીએ પોતાના જીવનનિર્વાહ માટે મજબૂરીમાં બીજા લગ્ન કર્યા હતા.
બીજીવાર સંસાર શરૂ કર્યા બાદ તેને એક પુત્રનો જન્મ આપ્યો હતો. કહેવાય છે ને કે, કરમના ફૂટ્યાં હોય ત્યારે જ્યાં જાવ ત્યાં કાગડા કાળા હોય જ. આવું કંઈક જયશ્રી સાથે થયું. તેનો બીજો પતિ પણ દારૂનું વ્યસન કરવા લાગ્યો અને એને તેને શારિરીક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો. તે માનસિક રીતે ખૂબ જ ભાંગી પડી હતી.
તે પરિવારના પ્રેમ માટે તરસતી રહી. તે દરમિયાન વોટ્સએપ મારફત મહેશભાઈનો સંપર્ક થયો. તેમણે જયશ્રીની ખૂબ મદદ કરી. એટલું જ નહીં, પાલક પિતા બની જયશ્રીને પરિવારના પ્રેમની હૂંફ આપી. બે વર્ષ સુધી મહેશભાઈ સાથે સંપર્કમાં રહીને પિતાની છત્રછાયા મેળવી હતી.
એક રાત્રે મહેશભાઈ પર અચાનક ફોન આવ્યો આવ્યો હતો કે, જયશ્રીને સાસરિયામાં તેના પતિ અને સાસુએ એસિડ ફેંક્યો છે. એટલું જ નહીં, તેના દીકરાને પણ મારી નાખવાનો પ્રયત્ન કરાયો છે. તેથી ત્યારે મહેશભાઈએ પિતા તરીકે મદદ કરી હતી. અંગત મિત્ર રાજુભાઈ પંચાલનો સંપર્ક કરીને જયશ્રી અને તેના પુત્રને તેના પતિના ચંગુલમાંથી છૂટકારો અપાવ્યો હતો.
હાલમાં જ 17 ઓક્ટોમ્બર 2020ના રોજ સુરતના વરાછામાં મંદિરમાં જયશ્રીબેનના લગ્ન દીપક નામના યુવક સાથે કરાવ્યા હતા. આમ, જ્યારે જયશ્રીના કપરા સમયમાં તેના પરિવારે તેનો સાથે છોડી દીધો, ત્યારે મહેશભાઈએ જયશ્રીની મદદ કરીને પિતાની ફરજ નિભાવી હતી.