26 વર્ષ બાદ પરિવારમાં જન્મી દીકરી, 200થી વધુ મહિલાઓએ કંકુ પગલા અને ઢોલનગારા સાથે દીકરીનું ગ્રાન્ડ વેલકમ..

પાટડીના દેસાઇ પરીવારમાં દીકરાના ઘરે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનો જન્મ થતાં ધન તેરસના પવિત્ર દિવસે પાટડીમાં લક્ષ્મીરૂપી દીકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200 મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું સ્વાગત કરાતાં સૌની આંખોમાં ખુશીના આસું આવી ગયા.
દિવાળી પહેલા ધનતેરસના શુભ દિવસે પાટડી ખાતે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેસાઈ તથા મીનાબેન દેસાઈના દીકરા પુરવ અને પુત્રવધુ નેહલના ઘરે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરી કાયરાનો જન્મ થતાં વ્હાલસોયી પૌત્રીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ શુભ પ્રસંગે પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલૈશભાઇ પરીખ, ગુજકોમાસોલના ડિરેક્ટર જેશીંગભાઈ ચાવડા, પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, આંગણવાડીના સીડીપીઓ તથા આંગણવાડીની બહેનોની સાથે 200થી વધુ મહિલાઓ દ્વારા આ વ્હાલસોયી દીકરીનું ભવ્ય સ્વાગત કરીને આશીર્વાદ અપાયા હતા અને અંતમાં ગરીબ બાળકોને પરીવાર દ્વારા અન્નભોજન પણ કરાવવામાં આવ્યું હતુ.
આ અંગે પાટડીના વિજયભાઇ દેસાઇ અને મીનાબેન દેસાઇએ આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, અમારા ઘરમાં 26 વર્ષ બાદ સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું અવતરણ થતાં ધનતેરસના દિવસે પાટડીથી 3 કિ.મી. દૂર આવેલા પ્રસિદ્ધ હળમતિયા હનુમાન મંદિરથી શણગારેલી ગાડીમાં ઢોલ નગારા, અબીલ-ગુલાલની છોળો અને પંડીત સિધ્ધાર્થ શુક્લ દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે સામૈયું કરી કંકુ પગલા અને આશિર્વચન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
આ શુભ પ્રસંગે પાટડીની 200થી વધુ મહિલાઓએ પણ ઉત્સાહભેર સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીને મીઠો આવકાર આપ્યો હતો.