ભગવાન રૂપે સેવા આપતા આ ડોક્ટરની કહાની વાંચીને તમે પણ સલામ કરશો..

ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પણ કેટલાક ડૉકટરોને તો ફક્ત પૈસા જ દેખાય છે. એમના માટે સેવા કરતા પૈસા વધુ મહત્વના થઈ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે ડૉ. બી. રમણ રાવ એક અલગ જ પ્રકારનાં વ્યક્તિ છે અને ખરેખર ! એમણે ડોક્ટર ભગવાનનું રૂપ હોવાની કહેવતને સાર્થક કરી દીધી છે.
બેંગલુરુ નજીક ટી. બેગુરમાં આવેલા તેમના ગામમાં ડો. રાવ દર્દીઓની એકદમ મફતમાં સારવાર કરે છે. એકપણ પૈસો લીધા વિના તેઓ 44 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યા છે. આજ સુધી તેઓ 22 લાખ જેટલા દર્દીઓનો મફતમાં ઈલાજ કરી ચુક્યા છે.
મફતમાં સારવાર
ડૉ. રમણે વર્ષ 1973માં એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને બીજા જ દિવસે એમના પિતાજીએ પોતાના ગામમાં ફ્રી દવાખાનું ખોલી આપ્યું. શરૂઆતમાં ખૂબ ઓછા દર્દીઓ આવતા હતા. પરંતુ હવે તો દર્દીઓની લાંબી-લાંબી લાઈનો લાગે છે. તેઓ દર્દીઓનું સંપૂર્ણ નિદાન કરે છે અને સાથોસાથ એમને મફતમાં દવા, રસી, ઈન્જેક્શન અને ભોજન પણ આપે છે. આ ઉપરાંત, તેમના ક્લિનિકમાં મોતિયાનાં ઓપરેશન પણ મફતમાં થાય છે. આ માટે ડોક્ટર દર અઠવાડિયે 2 લાખ રૂપિયા ખર્ચે છે. મોટાભાગની રકમ તેઓ પોતાના ખીસ્સામાંથી જ કાઢે છે.
દર રવિવારે મફતમાં સેવા
ડૉ. રાવના દવાખાને હવે દૂર-દૂરના ગામથી લોકો આવે છે. તેઓ દર રવિવારે મફતમાં સેવા આપે છે. શનિવાર રાતથી જ દર્દીઓની લાંબી-લાંબી લાઈનો લાગવા માંડે છે. દર રવિવારે લગભગ 1300 જેટલા દર્દીઓને તપાસવામાં રાત થઈ જાય છે. પરંતુ કોઈપણ દર્દી સારવાર વિના પાછો નથી જતો. આ ઉપરાંત, વર્ષ 1973થી એક પણ રવિવારે ક્લિનિક બંધ રહ્યું નથી.
એક માંથી 35 લોકોની ટીમ બની ગઈ
પહેલા ફક્ત ડૉ. રાવ એકલા જ દર્દીઓને સેવા આપતા હતા. પરંતુ લગ્ન પછી એમના પત્ની અને બે ડોકટર પુત્રો સહિત આજે એમની 35 લોકોની ટીમ બની ગઈ છે. જેમાં 10 ડેન્ટિસ્ટ, 1 સ્કીન સ્પેશિયાલિસ્ટ, 6 નર્સ અને અન્ય સ્વયંસેવકો છે. આ આખી ટીમમાં મોટાભાગના લોકો એવા છે કે, જેઓ એક સમયે અહીંયાથી જ મફતમાં ઈલાજ કરાવી ચુક્યા છે. બાબાજાન નામનો એક રિક્ષા ડ્રાઈવર 8 વર્ષ પહેલા સારવાર માટે આવ્યો હતો. સાજો થતાં કહેવા લાગ્યો કે હું પણ એક દિવસ અહીં કામ કરવા માંગું છું. ત્યારથી તે પણ દર રવિવારે 70 કિ.મી. દૂરથી સેવા કાર્ય કરવા માટે અહીં આવે છે.
અન્ય સમાજ કલ્યાણનાં કાર્યો
ડૉ. રમણ રાવે મફત સારવાર ઉપરાંત જરૂરિયાતમંદોની મદદ માટે ઘણા કામ કર્યા છે. લોકોને બીમારીથી બચાવવા માટે તેમણે પોતાના ખર્ચે ગામમાં અનેક સ્થળે 700 થી વધુ શૌચાલય બનાવડાવ્યા છે. 50 સ્કૂલ દત્તક લઈ ત્યાં ફર્નિચર પહોંચાડ્યું છે.
શાળાના વિદ્યાર્થીઓને દર વર્ષે યુનિફોર્મ અને પુસ્તકો પણ વહેંચે છે. આ વિસ્તારમાં લાઈટ-પાણીની સમસ્યા હતી. તેથી ડૉ. રાવે 16 ગામો માટે બોરવેલ તેમજ સ્ટ્રીટ લાઈટનાં કામ પણ કરાવ્યા છે. આ દરેક સેવા કાર્યમાં ડૉ. રાવની પત્ની તેમજ એમના બન્ને ડૉક્ટર દિકરા પણ પૂરો સાથ-સહકાર આપે છે.
ડૉ. રમણ રાવને ઘણા પુરસ્કાર મળ્યા
બધા દર્દીઓની સાથો સાથ ડૉ.રમણ રાવ અભિનેતા અમિતાભ બચ્ચન, રાજકુમાર અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની પણ સારવાર કરી ચુક્યા છે. ડૉ. રમણ રાવને વર્ષ 2010માં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત તમને ડો. અબ્દુલ કલામ નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.