આ દેશમાં માચીસ કરતા પણ સસ્તું છે એક લિટર પેટ્રોલ, માત્ર 50 રૂપિયામાં ટાંકી ફુલ થઈ જશે
દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર થી પણ વધારે થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતમાં થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ ડીઝલની કિંમતો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સરકારી તેલ કંપનીઓએ બુધવારનાં રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 107.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતો આસમાનને સ્પર્શી રહી છે. વિપક્ષ સરકાર પાસે પેટ્રોલ-ડિઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરવાની માંગ કરી રહી છે. પરંતુ દુનિયામાં એવા ઘણા દેશ છે જ્યાં પેટ્રોલની કિંમત ભારત કરતાં પણ વધારે છે.
આ દેશોમાં સૌથી મોંઘુ પેટ્રોલ
ભારતમાં ભલે પેટ્રોલ-ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર કરતાં પણ વધારે થઈ ગઈ હોય પરંતુ અન્ય ઘણા દેશની સરખામણીમાં આપણા દેશમાં કિંમત ઓછી છે. દુનિયામાં સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં છે. હોંગકોંગમાં સપ્ટેમ્બરમાં પેટ્રોલની કિંમત 2.56 ડોલર એટલે કે 192 રૂપિયા પ્રતિ લીટર હતી.
યુરોપિયન દેશ નેધરલેન્ડમાં એક લીટર પેટ્રોલ માટે 2.18 ડોલર એટલે કે 163 રૂપિયા ખર્ચ કરવાના હોય છે. સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક માં પેટ્રોલનો ભાવ 160 રૂપિયા લિટર છે. આવી જ રીતે નોર્વે, ઇઝરાયલ, ડેનમાર્ક, મોનાકો, ગ્રીસ, ફિનલેન્ડ અને આઇસલેન્ડ તેવા દેશોમાં સામેલ છે જ્યાં પેટ્રોલની કિંમત ખુબ જ વધારે છે.
અહીં મળે છે માચીસ કરતા પણ સસ્તું પેટ્રોલ
દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં મળે છે. અહીંયા એક લિટર પેટ્રોલ માટે તમારે ફક્ત 0.02 ડોલર એટલે કે 1.50 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તે એક માચિસ ના બોક્સ કરતા પણ સસ્તું છે. ભારતમાં ડિસેમ્બરમાં માચીસ ની કિંમત 2 રૂપિયા થઈ જશે, એટલે કે જો તમે વેનેઝુએલામાં રહો છો તો 50 રૂપિયાથી પણ ઓછી કિંમત પર 30 લિટર પેટ્રોલ ખરીદી શકો છો. મારુતિ સુઝુકી અલ્ટો K10 ની 35 લિટરની ટાંકી ફુલ કરવા માટે તમારે 52.50 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.
આ દેશોમાં અડધા ડોલરથી ઓછો છે ભાવ
ઈરાનમાં પેટ્રોલની કિંમત 0.06 એટલે કે 4.51 રૂપિયા છે. ગૃહયુદ્ધ સામે ઝઝુમી રહેલા સીરિયામાં તમારે એક લીટર પેટ્રોલ માટે 0.23 ડોલર એટલે કે 17 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આવી જ રીતે અંગોલા, અલ્જીરિયા, કુવૈત, નાઇજીરીયા, તુર્કમેનિસ્તાન, કજાકસ્તાન અને ઇથોપિયા માં પેટ્રોલની કિંમત અડધા ડોલર કરતાં પણ ઓછી છે. ભારતની જેમ દુનિયાના મોટા ભાગના દેશોમાં પેટ્રોલ પર ઘણા પ્રકારના ટેક્સ લાગે છે. તે સરકાર માટે ટેક્સ એકઠા કરવાનો મહત્વનો સ્ત્રોત સાબિત થાય છે.