શાહરૂખ ખાનથી લઈને કેટરીના કૈફ સુધી, આ 14 બોલિવૂડ સિતારાનું સમીર વાનખેડે ઉતારી ચૂક્યા છે પાણી..

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સતત ચર્ચામાં છે. સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે જેમની પ્રથમ પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ ઓફિસર તરીકે થઈ હતી.
આ દિવસોમાં સમીર વાનખેડે બોલિવૂડમાં ડ્રગ્સ કેસનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે. પરંતુ આર્યન ખાન પહેલા પણ સમીર વાનખેડે ઘણા મોટા સુપરસ્ટાર્સ ને આડે હાથ લઈ ચુક્યા છે. આજે અમે તમને એવી જ કેટલીક સેલિબ્રિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે આર્યન ખાન પહેલા સમીર વાનખેડેનો સામનો કર્યો છે. ચાલો આપણે જાણીએ કોણ કોણ છે આ સ્ટાર્સ?
કેટરીના કૈફ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફને કોણ નથી જાણતું. એક સમયે સમીર વાનખેડેએ કેટરિના પર કાર્યવાહી કરી હતી. વાસ્તવમાં સપ્ટેમ્બર 2012માં કેટરીના મુંબઈ એરપોર્ટના ટર્મિનલમાંથી કોઈ પણ સામાન લીધા વગર બહાર આવી હતી. આ પછી કેટરીનાની સાથે આવેલા બે સહાયકો ફરી ટર્મિનલની અંદર ગયા પરંતુ આ દરમિયાન સમીર વાનખેડેની ટીમે તેમને પકડી લીધા.
આ દરમિયાન સમીર વાનખેડેની ટીમને કેટરિના કૈફના બે સહાયકો પાસેથી એપલ આઈપેડ, 30 હજાર રૂપિયા રોકડા અને વ્હિસ્કીની બોટલ મળી આવી હતી, જેના પછી વાનખેડેએ તેમના પર 12 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
શાહરૂખ ખાન
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનના પિતા એટલે કે સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ સમીર વાનખેડેની કાર્યવાહીથી બચી શક્યા નથી. વાસ્તવમાં શાહરૂખ ખાનને વર્ષ 2011માં મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને નિયમો કરતાં વધુ સામાન રાખવા બદલ લગભગ દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે આ દરમિયાન શાહરૂખ ખાન તેના પરિવાર સાથે લંડનમાં રજાઓ ગાળીને મુંબઈ પરત ફર્યો હતો. આ દરમિયાન, સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળના કસ્ટમ વિભાગની ટીમ દ્વારા તેનો મુંબઈ એરપોર્ટ પર સામનો કરવો પડ્યો હતો.
અનુષ્કા શર્મા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સામે પણ સમીર વાનખેડેએ કાયદાકીય કાર્યવાહી કરી છે. વાસ્તવમાં જૂન 2011માં સમીર વાનખેડેએ અનુષ્કા શર્માને મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. આ દરમિયાન અનુષ્કા શર્મા પાસેથી હીરાનું બ્રેસલેટ મળી આવ્યું હતું, તેની સાથે તેની પાસે નેકલેસ, કાનની બુટ્ટી અને 2 મોંઘી ઘડિયાળ હતી, જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ હતી.
એક રિપોર્ટ અનુસાર અનુષ્કા શર્માને લગભગ 11 કલાક સુધી એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. આ પછી સમીર વાનખેડેની ટીમે તેને બહાર આવવાની પરવાનગી આપી હતી.
રણબીર કપૂર
2013માં અભિનેતા રણબીર કપૂરને પણ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ દરમિયાન રણબીર કપૂર એરપોર્ટ સ્ટાફ માટે બનાવેલા સ્પેશિયલ પેસેજમાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ સમીર વાનખેડેની ટીમે તેને પકડી લીધો હતો. તપાસ દરમિયાન રણબીર કપૂર પાસેથી મોંઘા પરફ્યુમ, કપડાં અને મોંઘા શૂઝ મળી આવ્યા હતા. તેના પર લગભગ 60,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બિપાસા બાસુ
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ પણ સમીર વાનખેડેની ટીમની તપાસમાંથી બચી શકી નથી. તમને જણાવી દઈએ કે, એક સમયે લંડનથી પરત ફર્યા બાદ બિપાશાને લગભગ 12 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કહેવાય છે કે બિપાશા બસુએ 60 લાખની કિંમતની કેટલીક વસ્તુઓ વિશે માહિતી આપી ન હતી, જેના પછી તેની સામે કાર્યવાહી કરવી પડી હતી.
મીકા સિંહ
વર્ષ 2013માં ગાયક મીકા સિંહ પણ સમીર વાનખેડેની લપેટમાં આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે, બેંગકોકથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચેલા મીકા સિંહે 9 લાખ રૂપિયાની જાણકારી આપ્યા વગર જ જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન વાનખેડેની ટીમે તેને પકડી લીધો હતો. આ દરમિયાન મીકા સિંહ પાસેથી દારૂની બોટલો, ગ્લાસ અને પરફ્યુમ મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ દરમિયાન મિકા સિંહ પાસેથી ભારે દંડ વસૂલવામાં આવ્યો હતો.
મિનિષા લાંબા
એક્ટ્રેસ મિનિષા લાંબા મે 2011 માં ફ્રાંસના કાન શહેરથી પરત આવી હતી. તે મુંબઈ એરપોર્ટ પર અમીરાતની ફ્લાઇટમાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશ્નર સમીર વાનખેડેની ટીમે મિનિષા લાંબાની બેગ તપાસી હતી અને તેમાંથી ડાયમંડ જ્વેલરી, કિંમતી સ્ટોન્સ સહિતની 50 લાખની જ્વેલરી મળી આવી હતી. મિનિષાની એરપોર્ટ પર 16 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
અનુરાગ કશ્યપ
ઓગસ્ટ 2013માં જ્યારે સમીર વાનખેડે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે અનુરાગ કશ્યપને 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય તેમનું અકાઉન્ટ તે જ વર્ષે ડિસેમ્બરમાં સીઝ કરવામાં આવ્યું હતું.
વિવેક ઓબેરોય
સપ્ટેમ્બર 2013માં વિવેક ઓબેરોયને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વિવેક પ્રોડ્યૂસર્સ પાસેથી 40 લાખ રૂપિયા સર્વિસ ટેક્સના ભેગા કર્યા હતા પરંતુ તે આપ્યા નહોતા. આ સંદર્ભે સમીર વાનખેડેએ વિવેકની પૂછપરછ કરી હતી.
દીપિકા પાદુકોણ-શ્રદ્ધા કપૂર-સારા અલી ખાન
સપ્ટેમ્બર 2020ના રોજ આ ત્રણેય એક્ટ્રેસને વ્હોટ્સએપ ચેટના આધારે સમન્સ પાઠવીને પૂછપરછ કરવામાં આવી હતી. NCBએ આ ત્રણેયની પૂછપરછ કરી હતી.
આ સિવાય સમીર વાનખેડેએ રિયા ચક્રવર્તી, અરમાન કોહલી, ગોપાલ વર્મા સહિતના મોટા સુપરસ્ટાર્સ સામે પણ કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, એનસીબીએ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની પણ પૂછપરછ કરી હતી. જેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને દીપિકા પાદુકોણના નામ સામેલ છે.