પતિના મોતના આઘાતમાં, ત્રણ દિવસ બાદ પત્નીએ પણ દુનિયાને કહી દીધું અલવિદા, બે બાળકો બન્યા નોધારા

પતિના મોતના આઘાતમાં, ત્રણ દિવસ બાદ પત્નીએ પણ દુનિયાને કહી દીધું અલવિદા, બે બાળકો બન્યા નોધારા

સુરેન્દ્રનગરના પાટડી પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ અગાઉ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ અને બે દિવસ બાદ પાટડી પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરનું પણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી પત્નીને લાગી આવતા આજે આઘાતમાં એનું પણ મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

પાટડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પાટડી તાલુકાના જૈનાબાદના વતની લતીફભાઇ કાદરભાઇ કુરેશી તથા પાટડી તાલુકાના ખેરવા ગામે અનાજના દુકાનદાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કર કાર લઇને વિરમગામથી પુરઝડપે માલવણ તરફ આવી રહ્યાં હતા. ત્યારે માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઇ ડીવાઇડર કુદાવી સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી કાર સાથે જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલક જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહીલુહાણ અને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કરને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાના બે દિવસ બાદ જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતુ.

આ ઘટનાથી મૃતક લતીફભાઇ કુરેશીની પત્નિ કુલસુમબેનને લાગી આવતા એણે બે દિવસથી ખાવાનું મૂકી દીધુ હતુ. આથી આજે એને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં એનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતુ. આમ 3 જ દિવસમાં પતિ-પત્નિના આકસ્મિક મોતની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. અને એમના બે માસૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *