નટુકાકાની અંતિમ યાત્રામાં આજુબાજુના લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં, જેઠાલાલથી લઈને દિગ્ગજ કલાકારો આવ્યા, જુઓ

છેલ્લા ઘણા દિવસોથી ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી દુખદ ખબર સામે આવી રહી છે. ત્યારે ગઇકાલના રોજ ફેમસ શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર નિભાવી રહેલા ગુજરાતી અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ હતુ, આ દુખદ ખબર સાંભળીને તારક મહેતાના કલાકારો સાથે ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોક વ્યાપી ગયો છે.
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકના 4 ઓક્ટોબરના રોજ એટલે કે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં જેઠાલાલ એટલે કે દીલિપ જોશી, જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી ગોગી એટલે કે સમય શાહ અને પ્રોડ્યુસર આસિત મોદી સહિત ઘણા કલાકારો હાજર રહ્યા હતા. નટુકાકાની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ગઇ કાલે એટલે કે ત્રણ ઓક્ટોબરના રોજ સાંજે 5.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
નટુકાકાની અંતિમ યાત્રા આજે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી છે. તેમના અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવશે. ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે પાછો ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો થેરપી માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે એક સર્જરી પણ કરાવી હતી.
ઘનશ્યામ નાયકે તેમના અભિનય દ્વારા એક મોટી નામના મેળવી હતી. તેમના નિધનથી તારક મહેતા શોમાં પણ એક મોટી ખોટ પડી છે. ચાહકો પણ નટુકાકાના અભિનયની ખૂબ જ પ્રસંશા કરતા હતા, બાધા સાથે તેમની જોડીના પણ દર્શકો દિવાના હતા, ત્યારે હવે તારક મહેતામાં દર્શકોને બાધા અને નટુકાકાની જોડી જોવા નહીં મળે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.
નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક તથા દાદા કેશવલાલ નાયક પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે.
ભવાઈની કલા જે હવે ઘણી ઓછી જોવા મળે છે. તેમાં ઘનશ્યામ નાયકનું ઘણું મોટું પ્રદાન છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે. ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનશ્યામ નાયક 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક પણ આપી ચુક્યા છે.
ઘનશ્યામ નાયકનો જન્મ 12 જુલાઈ 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
અભિનય જગતમાં 55થી વધુ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ગુજરાતી રંગભૂમિ પર પણ ઘનશ્યામ નાયક 100થી વધારે નાટકોમાં કામ કર્યું છે. તેમને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચુક્યો છે.