બર્થ ડે પાર્ટી બાદની રેસ જિંદગીની આખરી રેસ બની ગઈ, અકસ્માત સર્જાતાં 3 મિત્રનાં મોત, એક ઇજાગ્રસ્ત..
આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરની છે. જબલપુરમાં 3 મિત્રોએ બાઇકરેસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે એક હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે. ચારેય જણ મિત્રની બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે ગયા હતા. અહીંથી 2 બાઇક પર સવાર થઈને નર્મદા દર્શન કરવા જઈ રહ્યા હતા. મધ્યરાત્રિએ તેઓ સૂમસામ રસ્તો જોઈને રેસ લગાવવાની શરૂ કરી હતી. માહિતી અનુસાર, બાઇકની સ્પીડ 80ની ઉપર પહોંચી ગઈ હતી.
અચાનક વળાંકને લીધે બંને બાઇક અનિયંત્રિત થઈ ગઈ હતી અને લાઇટના થાંભલા સાથે ટકરાયા બાદ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 2 મિત્રોને માથાના ભાગે ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનાં મૃત્યુ થયાં હતાં. જયારે બીજા દિવસે સવારે ત્રીજા મિત્રનું જબલપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત રાત્રે લગભગ 12.15 વાગ્યે થયો હતો. મૃતકોની ઓળખ આમનપુર મદનમહલ રહેવાસી હર્ષ ઉર્ફે હર્ષિત બર્મન (17), સમીર ઉર્ફે શંભુ ઝારિયા (18) અને લોઢી શેરી રહેવાસી લલિત ડેહરિયા (19) તરીકે થઈ હતી. અકસ્માતના સમાચાર પરિવારજનોને મળતાંની સાથે જ પરિવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. બે મિત્રોનાં ઘર એક જ શેરીમાં હતાં. મધરાત્રે પરિવારજનોને ફોન આવ્યો ત્યારે પરિવારના લોકો સૂઈ રહ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાંની સાથે જ હડકંપ મચી જવા પામ્યો હતો. મૃતકોનાં પરિવારજનોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. આમનપુરના રહેવાસી કૃષ્ણા મહરા (17)નો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ જણાવ્યા અનુસાર, ચારેય મિત્રો અન્ય એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા. અકસ્માત સમયે કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાઇક MP 20 NM 3407 અને MP 20 MX 3862 પે સવાર થઈને ચારેય યુવક રેસ લગાવી રહ્યા હતા. મધ્યરાત્રિ હોવાથી તેઓ સૂમસામ રોડ પર 80થી 90ની ઝડપે રેસ લગાવી રહ્યા હતા. ખંડારીબ્રિજ પર રસ્તો નીચો છે. ત્યાર બાદ ચઢાણવાળો વળાંક આવે છે. એ જ સમયે પુરપાટ ઝડપી ગતિને કારણે બંને બાઇકચાલકોએ બાઇક પરનો કાબૂ ગુમાવતાં પહેલાં લાઇટના થાંભલા સાથે અને પછી ડિવાઇડર સાથે બાઈકો અથડાઇ હતી. અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં હર્ષ અને સમીરનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.