રમતા-રમતા પાણીની ટાંકીમાં ડૂબી જવાથી બે વર્ષના ભાણેજનું મોત, એકના એક દીકરાના નિધનથી માતા ઘેરા આઘાતમાં..
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં જવાનું નક્કી થતાં ભૂજના દયાપર પોલીસ મથકમાં પોલીસ કર્મી માતાએ બે વર્ષના દીકરાને પાલનપુર તાલુકાના દેલવાડા ગામે પિયરમાં મુક્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજના સમયે દીકરો રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ કરૂણ ઘટનાને લીધે પોલીસ બેડા સહિત જિલ્લામાં અરેરાટી પ્રસરી હતી.

બનાસકાંઠા અને ભૂજ જિલ્લામાં અરેરાટી પ્રસરાવનારી ઘટનાની વિગતો સામે આવી છે. પાલનપુર તાલુકાના દેલવાડા ગામના નયનાબેનના લગ્ન પાલનપુર તાલુકાના ખોડલા ગામે જીતેન્દ્રભાઇ સેધાભાઇ ભીલોચા સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં એકનો એક દીકરો પ્રિયાંન્સુ જન્મયો હતો.
નયનાબેન નું એક વર્ષ પોલીસની ભરતીમાં સિલેકશન થતાં તેમને ભૂજ જિલ્લાના દયાપર પોલીસ મથકમાં પોસ્ટીંગ મળ્યું હતુ. જેઓ તેમના પતિ જીતેન્દ્રભાઇ સેંધાભાઇ ભીલોચા અને દીકરા પ્રિયાંન્સુ સાથે રહેતા હતા.

આ દરમિયાન યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનો મેળામાં પોલીસ બંદોબસ્તમાં નયનાબેનને મુકવામાં આવ્યા હતા. જોકે, દીકરાને કોણ સાચવશે તેમ વિચારી તેમણે પ્રયાંન્સુને તેમના માતા-પિતાને ઘરે દેલવાડા ગામે મુકી અંબાજી બંદોબસ્તમાં ગયા હતા.
આ દરમિયાન ગુરૂવારે સાંજે પ્રિયાન્સુ તેના મામાને ઘરે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જેનું કરૂણ મોત નિપજ્યું હતુ. મામાને ઘરે જ ભાણાંનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોતની ઘટનાને પગલે વિધીની વક્રતાનો ભોગ બનેલો પરિવાર પડી ભાંગ્યો હતો. પોલીસબેડા સહિત સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું હતું.