આ બે ગુજરાતી ભાઈઓ મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી બની ગયા કરોડપતિ, જાણો તેના વિશે..
એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં વાર નથી લાગતી. પરંતુ શરત એ છે કે આપણા પ્રયત્નો યોગ્ય દિશામાં હોવા જોઈએ અને આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આજની કહાની એવા જ બે ભાઈઓની છે. જે મુંબઇના છે. બંનેએ ખૂબ જ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરી છે. જેને જોઈને બધા લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. તો ચાલો જાણીએ આ બંને ભાઈઓ વિશે.

ચાર્ટર્ડ પ્લેન, વિશ્વના સૌથી મોંઘા વાહનોના શોખીન અને કરોડો રૂપિયાના આલીશાન બંગલામાં રહેતા આ બંને ભાઈઓની ગણતરી આજે દેશના ધનિક લોકોમાં થાય છે. આ બંને ભાઈઓને ભારતીય ‘એડ ટેક’ દુનિયાની સૌથી મોટી હસ્તીઓ તરીકે જોવામાં આવે છે. આ ભાઈઓએ તેમની કારકીર્દિમાં દોઢ દાયકા સુધી લગભગ એક ડઝન કંપનીઓ બનાવી. જેમાંથી પાંચ કંપનીઓ વેચીને તેઓ આજે ભારતના ધનિક લોકોની યાદીમાં જોડાયા છે.

આવી સ્થિતિમાં, હવે તેમના નામ જાણવાની રુચિ તમારા મનમાં ઉભી થઈ રહી હશે. તો ચાલો વિલંબ કર્યા વિના કહી દઈએ કે આ બંને ભાઈઓના નામ દિવ્યાંક તુરખીયા અને ભાવિન તુરખીયા છે. જે આજે દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ છે. દસ હજાર કરોડની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા આ ભાઈઓની સફળતાની કહાની ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને રસપ્રદ છે.

મુંબઈમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા તુરખીયા ભાઈઓએ બાળપણ જુહુ અને અંધેરી વિસ્તારોમાં વિતાવ્યું હતું. 13 વર્ષની ઉંમરે દિવ્યાંક જેને નાનપણથી જ કમ્પ્યુટર અને પ્રોગ્રામિંગનો શોખ હતો, તેણે તેના ભાઈ સાથે શેર બજારના ભાવને ટ્રેક કરવા માટે સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી.

તે પછી, દિવસે ને દિવસે કમ્પ્યુટર્સ પ્રત્યેની વધતી રુચિને કારણે તેમનો અભ્યાસ સાથેનો સંબંધ તૂટી ગયો. જોકે તેના પિતાના દબાણ હેઠળ તેણે બી.કોમ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજ ક્યારેય ગયો ન હતો. દિવસભર બંને ભાઈઓ ઘરે એક સાથે કોડિંગ કરતા હતા. કોડિંગમાં નક્કર પકડ પ્રાપ્ત કર્યા પછી બંને ભાઈઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી. પરંતુ વ્યવસાય શરૂ કરવામાં સૌથી મોટી અવરોધ પ્રારંભિક મૂડી હતી.

આવી સ્થિતિમાં બંને ભાઈઓએ કોઈક રીતે પિતાને સમજાવ્યા અને વર્ષ 1998માં તેના પિતા 25 હજાર રૂપિયા લોન તરીકે આપવા તૈયાર થઈ ગયા. તે સમયે, આ ભાઈઓએ વિચાર્યું પણ ન હતું કે 16 વર્ષ પછી તેઓને અબજોપતિની યાદીમાં શામેલ કરવામાં આવશે. 16 વર્ષની ઉંમરે તેમના 18 વર્ષના ભાઈ ભાવિન તુરખીયા સાથે તેમણે આ પૈસાથી વેબસાઇટની ડોમેન નામ કંપની ‘ડાયરેક્ટી’ ની સ્થાપના કરી. ડાયરેક્ટી ભારતીય કંપનીઓને વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરે છે. બાદમાં ‘બિગરોક’ નો જન્મ આ કંપનીના બેનર હેઠળ થયો હતો, જે આજે ડોમેન રજિસ્ટ્રારની અગ્રણી કંપની છે.

એટલું જ નહીં, વર્ષ 2001માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યુ હતુ. બંને ભાઈઓએ ડિરેક્ટરીના બેનર હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા છે. હાલમાં, ડાયરેક્ટી ગ્રૂપના 1000 કર્મચારી અને એક મિલિયન ગ્રાહકો છે. કંપની વાર્ષિક ધોરણે 120 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે. થોડા વર્ષો પહેલા તુરખીયા અને તેના ભાઈએ ચાર બ્રાન્ડ્સને એન્ડ્યુરન્સ ઇન્ટરનેશનલ ગ્રુપને રૂ.1000 કરોડમાં વેચ્યા હતા. ગૂગલની એડ સેન્સ સાથે સ્પર્ધા કરવા માટે મીડિયાનેટ બનાવવામાં આવી હતી.

આ ઉત્પાદનને ઘણાં પ્રકાશકો, જાહેરાત નેટવર્ક્સ અને આંતરરાષ્ટ્રીય જાહેરાત ટેક કંપનીઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે. મીડિયા નેટ ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, દુબઇ, ઝુરિક, મુંબઇ અને બેંગ્લોરથી કાર્ય કરે છે. તેમાં 800 કર્મચારીઓ કાર્યરત છે. ગયા વર્ષે મીડિયા નેટે 1,554 કરોડની કમાણી કરી હતી.

થોડા વર્ષો પહેલા તેણે ઓનલાઇન જાહેરાત સાહસ મીડિયા નેટને ચાઇનીઝ સમૂહને 900 કરોડ ડોલરમાં વેચી હતી. આ કિસ્સામાં, તેણે ગૂગલ (75 કરોડ ડોલરમાં એડમોબ ખરીદ્યું) અને ટ્વિટર (મોપબને $350 મિલિયનમાં ખરીદ્યો)ને પણ પાછળ છોડી દીધા.

તમને જણાવી દઈએ કે બંને ભાઈઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી ન હોવા છતાં બંને ઉત્તમ કોડર છે. બંનેએ કોઈ પણ મદદ વગર પોતાના પર જ આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું. આજે તુરખીયા ભાઈઓ ‘પ્રથમ ભારતીય ઇન્ટરનેટ ઉદ્યોગસાહસિક’ તરીકે જાણીતા છે. તેથી આ કહાની ખૂબ પ્રેરણાદાયક છે.