અગાઉ બે પત્ની હોવા છતાં પાડોશી વ્યકિતએ લગ્ન માટે દબાણ કરતાં 22 વર્ષીય છોકરીએ ગળાંફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું

અગાઉ બે પત્ની હોવા છતાં પાડોશી વ્યકિતએ લગ્ન માટે દબાણ કરતાં 22 વર્ષીય છોકરીએ ગળાંફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું

ક્યારેક વધુ પડતા સંબંધો પણ જોખમી સાબિત થતાં હોય છે. જેને કારણે ક્યારેક સંબંધ તોડવા માટે મોતને વ્હાલું કરવાની પણ નોબત જતી હોય છે. આવું જ કંઈક નવસારી તાલુકાના ખેરગામમાં હાલમાં બન્યું છે.

જ્યાં પાડોશી યુવાન અવરનવર લગ્ન માટે દબાણ કરતા 22 વર્ષીય છોકરીએ કંટાળી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. નવસારીના ખેરગામમાં રહેતો અને કાર લે-વેચનો ધંધો કરતો 5 સંતાનનો પિતા 36 વર્ષીય સોહેલ અબ્દુલ સમદ મંગેરા પોતાની પાડોશમાં રહેતી 22 વર્ષીય છોકરીને લગ્ન માટે સતત દબાણ કરતા છોકરીએ આ સમગ્ર ત્રાસથી કંટાળી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા છોકરીની માતાએએ ગ્રામ્ય પોલીસ મથકમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ખેરગામમાં રહેતા સમીમબેન મહમદ ભામજી જેમની ઉંમર 45 વર્ષ છે અને તેઓ ઘરકામ કરે છે. તેમને પાંચ સંતાન છે. જેમાં બે છોકરા અને ત્રણ દીકરીઓ સાથે ખુશહાલ જીવન ગુજારી રહ્યા હતા. બે દીકરાઓ ખેતીનો વ્યવસાય કરી જીવન ગુજારી રહી હતી. જ્યારે ત્રણ પૈકી બે દિકરીના લગ્ન થઈ ગયા હતા ત્યારે નાની દીકરી માતાને સિલાઈ કામ કરીને ઘરમાં મદદરૂપ થતી હતી.

સમીમબેન મહમદ ભામજીની પાડોશમાં રહેતો 36 વર્ષીય યુવાન સોહેલ અબ્દુલ સમદ મંગેરા પારિવારિક સંબંધો પણ ધરાવતો હતો અને ઘણીવખત ઘરે તેનું આવવા જવાનું હતું. ત્યારે આ શખ્સે તેમની નાની દિકરી પર દાનત બગાડી અગાઉ બે પત્ની અને પાંચ સંતાનો હોવા છતાં પણ તેની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી બેઠો હતો. અવારનવાર ઘરે આવીને તું મને જાણ કરી ને કેમ બહાર નથી જતી તેવો હક જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

છોકરીની માતાએ તું આવું પૂછનાર કોણ એવું કહેતા યુવાને હું તમારો જમાઈ થવાનો છું તેવો ઉડાઉ જવાબ આપીને છોકરીને હેરાન-પરેશાન કરતો હતો. સાથે જ યુવતીની માતાને ધમકી પણ આપતા કહેતો હતો કે તેઓ દીકરીના બીજે કોઈ પણ જગ્યાએ લગ્ન કરશે તો તેને બદનામ કરીશ અને તેની જિંદગી બરબાદ કરી નાખીશ. જેને લઇ આ માનસિક ત્રાસથી 22 વર્ષીય છોકરી કંટાળી ગઈ હતી. ઘરની વસ્તુ લેવા માટે માતા બહાર ગઈ હતી અને 22 વર્ષીય છોકરી ઘરે એકલી હતી. ત્યારે તેણે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તુંટી પડ્યુ હતુ.

આ અંગે છોકરીની માતાએ પાડોશી શખ્સ સોહેલ વિરુદ્ધ ગ્રામ્ય મથકે આત્મહત્યા માટે ઉશ્કેરી દુષપ્રેરણાને લાગતી ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ અંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીના જણાવ્યા અનુસાર, આરોપી અવારનવાર છોકરીના ઘરે જઈને તેને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો.

જેને લઇને છોકરી માનસિક ત્રાસથી કંટાળી જઈને જીવન ટૂંકાવી લેતાં છોકરીની માતાએ ગ્રામ્ય પોલીસમાં યુવાન વિરૂદ્ધ ફરિયાદ આપતા તેની ધરપકડ કરવામાં આવી છે અને દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

admin