રમતા બાળકને કારે કચડતાં થયું નિધન, પરિવારે માસૂમ બાળકની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે’

રમતા બાળકને કારે કચડતાં થયું નિધન, પરિવારે માસૂમ બાળકની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે’

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે ત્રણ વર્ષનું માસૂમ બાળક કચડાઈ ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પીડિત પિતાએ જણાવ્યું હતું કે ‘અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો તે અમને જોશે. બસ, એ જ અમારી યાદ રહેશે’ એમ કહી ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક માસૂમ બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડોક્ટર પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે બાળકોની આંખો ભાગ્યે જ કોઈક દિવસ દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

મનીષ જૈન (મૃતક બાળકના પારિવારિક મિત્ર) એ જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસૂમ ઓમ (ઉંમર 3 વર્ષ) કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમતો હતો. ત્યાર બાદ કોઈ લાલ કલરની કાર ઓમ ને કચડીને ભાગી ગઈ હતી. બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયા હતા. લોકો ઓમને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રૂજી ગયાં હતાં.

તાત્કાલિક જાણ કરતાં આખો પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં દીકરાને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે.

ત્રણ સંતાનમાં ત્રણ વર્ષનો ઓમ સૌથી નાનો દીકરો હતો. માસૂમ ઓમની જિંદગી કચડી નાખનાર કારચાલક CCTVમાં કેદ થઈ ગયો હતો. જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. કારચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઊભો પણ રહ્યો નહોતો. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ ઓમની આંખ ડોનેટ કરી દીકરાને જીવંત રાખ્યો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તેજશ ચૌહાણે આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટમોર્ટમ કરી આપતાં અંતિમવિધિ કરાઈ હતી. ડોક્ટર શક્તિ આબલિયા (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે લગભગ ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે. 5 વર્ષના બાળકની આંખ ડોનેટ કરાઈ હોવાનું મારા ધ્યાન પર છે. 65 ટકા આંખનું ડોનેટ સિનિયર સિટિઝન કરતા હોય છે.

જોકે એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. 80 વર્ષના લોકોની ડોનેટ આંખ માત્ર 3 ટકા જ કામ આવે છે. ચક્ષુબેંકના ડોક્ટર પ્રફુલ સિરોયાએ જણાવ્યું હતું કે હજારોમાં એક કેસ જોવા મળે છે. જેમાં 5 વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે. 2008માં જન્મના 2 કલાક બાદ બાળકનું નિધન થતાં લોકદૃષ્ટિ ચક્સુ બેંકે આંખ ડોનેટ તરીકે સ્વીકારી હતી. નાની ઉંમરે મળતું આંખનું ડોનેટ એ સારામાં સારું પરિણામ આપે છે.

admin