ભદ્રકાળ કે કોઈપણ પ્રકારનું ગ્રહણ ન હોવાના કારણે આખો દિવસ બાંધી શકાશે રાખડી, રાશિ અનુસાર જુદા જુદા રંગની રાખડી બાંધવી ગણાય છે શુભ
રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. તેના બદલામાં ભાઈ તેમને પ્રેમ, ભેટ તેમજ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષ શ્રાવણ સુદ પૂનમને તારીખ 22 ઓગસ્ટને રવિવારે રક્ષાબંધનનો પર્વઉજવવામાં આવશે.
શસ્ત્રો અનુસાર, આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ નહીં હોવાને કારણે રક્ષાબંધનનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. રક્ષાબંધનની સાથે નારિયેળી પૂનમ અને જનોઈ બદલાવવા માટેનો પણ શુભ દિવસ છે. આ દિવસે માછીમારો દરિયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પૂજન કરે છે.

આ દિવસે ભૂદેવો અને અન્ય લોકો જનોઈ બદલે છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના હાથના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષાની પ્રાર્થના કરે છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે થાળીમાં કુમકુમ, હળદર, અક્ષત, રાખડી સાથે કળશમાં પાણી અને આરતી માટે દીવો અને પોતાના ભાઈની મનપસંદ મીઠાઈ સાથે થાળી સજાવે છે.
રક્ષાબંધનના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને કારણે આ દિવસ ખૂબ મહત્વનો બની જાય છે. રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે પણ ઉત્સાહથી ઉજવાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, યમરાજની બહેન યમુનાએ તેના કાંડા પર રાખડી બાંધી હતી, જેના બદલામાં યમરાજે યમુનાને અમરત્વનું વરદાન આપ્યું હતું.

ઋગ્વેદીએ શનિવારે તૈત્તિરીય બ્રાહ્મણોએ રવિવારે બદલવી જનોઈ
પંચાંગમાં જણાવ્યા અનુસાર, જે બ્રાહ્મણ ઋગ્વેદી છે. તેમણે તારીખ 21ને શનિવારે જનોઈ બદલવાની રહેશે, જ્યારે શુક્લ યજુર્વેદી તથા તૈત્તિરીય બ્રાહ્મણોએ રવિવારે જનોઈ બદલવી તથા અન્ય સર્વે જે જ્ઞાતિના લોકોએ જનોઈ ધારણ કરી હોય તેમણે રવિવારે રક્ષાબંધનના દિવસે જ જનોઈ બદલવી જોઈએ.
રાખડી બાંધવા માટેના શુભ ચોઘડિયા
લાભ: સવારે 9.39થી 11.14 કલાક સુધી
અમૃત: સવારે 11.14થી 12.50 કલાક સુધી
શુભ: બપોરે 2.25 કલાકથી 4 કલાક સુધી
શુભ: સાંજે 7.11થી 8.36 કલાક સુધી
અમૃત: રાત્રે 8.36 કલાકથી 10 કલાક સુધી.
અભિજિત: બપોરે 12.24થી 1.15 સુધી

રાશિ અનુસાર જુદા જુદા રંગની રાખડી બાંધવી ગણાય છે શુભ
મેષ: લાલ અને પીળા રંગની
વૃષભ: ગુલાબી રંગની રાખડી
મિથુન: લીલા અને બ્લૂ રંગની
કર્ક: સફેદ અને પીળા રંગની
સિંહ: ગુલાબી રંગની રાખડી
કન્યા: લીલા અને બ્લૂ રંગની
તુલા: બ્લૂ અને મિશ્ર રંગની
વૃશ્ચિક: લાલ રંગની
ધન: કેસરી રંગની રાખડી
મકર: બ્લૂ અને લીલા રંગની
કુંભ: બ્લૂ અને ગુલાબી રંગની
મીન: પીળા રંગની રાખડી

ભાઈના કાંડા પર રાખડી બાંધવાની રીત
રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
આ પછી, ઘરને સારી રીતે સાફ કરો અને ચોખાના લોટનો ચોરસ ભરીને એક નાનો માટીનો વાસણ ગોઠવો.
હવે ચોખા, કાચા સુતરાઉ કાપડ, સરસવ, રોલીને એકસાથે મિક્સ કરો. આ પછી પૂજાની થાળી તૈયાર કરો અને દીવો પ્રગટાવો.
હવે રક્ષાસૂત્ર બાંધતી વખતે ભાઈને પૂર્વ દિશામાં બેસાડો અને ભાઈને તિલક લગાવતી વખતે બહેનનો ચહેરો પશ્ચિમ તરફ હોવો જોઈએ.
આ પછી ભાઈના કપાળ પર તિલક લગાવો અને જમણા હાથ પર રક્ષણાત્મક દોરો બાંધો. રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી કરો.
આ પછી ભાઈને મીઠાઈ ખવડાવો. હવે જો બહેન મોટી હોય તો નાના ભાઈને આશીર્વાદ આપો અને જો બહેન નાની હોય તો મોટા ભાઈને નમન કરો.
રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્વ જાણો
રક્ષાબંધનને ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. દંતકથા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બાલીને વચન આપ્યા બાદ પાતાળ પહોંચ્યા હતા, ત્યારે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ લક્ષ્મીએ રક્ષણાત્મક દોરો બાંધીને ભગવાન વિષ્ણુને માંગ્યા હતા. અન્ય એક દંતકથા અનુસાર, દ્રૌપદીએ રાજસૂય યજ્ઞ સમયે ભગવાન કૃષ્ણને રક્ષા દોરા તરીકે તેના સાડીનો ટુકડો બાંધ્યો હતો. ત્યારથી બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ.