‘તારક મહેતા’ ગુરુચરણ સિંહે અચાનક જ કેમ છોડી દીધી સિરિયલ, એક વર્ષ બાદ સામે આવ્યું કારણ..

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 13 વર્ષથી લોકોને હસાવતી આવી છે. શો સાથે જોડાયેલા તમામ કલાકારો ચાહકોમાં ખુબ લોકપ્રિય બન્યા છે. ગુરુચરણ સિંહ આ શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવતો હતો. ગુરુચરણે ગયા વર્ષે આ શો છોડી દીધો હતો. જોકે, તેણે આ શો કેમ છોડ્યો હતો, તે અંગેની કારણ સામે આવ્યું નહોતું. અહેવાલો અનુસાર, ગુરુચરણે પરિવારને કારણે આ શો છોડ્યો હતો.
આ સિરિયલમાં સોઢીનો રોલ ટીવી અભિનેતા ગુરુચરણ સિંહ પ્લે કરતો હતો. ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી આ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. જોકે, તે સમયે ચર્ચા હતી કે ગુરુચરણ સેટ પર મોડો આવતો હતો અને તેના આવા વલણથી મેકર્સે તેને આ શોમાંથી કાઢી મૂક્યો હતો.
ગુરુચરણને સ્થાને બીજો કલાકાર લાડ સિંહ માન આવ્યો હતો. જો કે એક વર્ષ બાદ જ ગુરુચરણ પાછો સિરિયલમાં આવી ગયો હતો. ગુરુચરણે 2020 માં ફરી એકવાર આ શો છોડી દીધો હતો. તે સમયે તેણે શા માટે આ સિરિયલ છોડી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નહોતું. હાલમાં આ પાત્ર ‘દિલ તો પાગલ હૈં’ ફેમ બલવિંદર સિંહ ભજવી રહ્યો છે.
આ સિરિયલ છોડવા અંગે ગુરુચરણે કહ્યું હતું કે જ્યારે તેણે આ સિરિયલ છોડી ત્યારે વધુ વાત થઈ શકી નહોતી. તે એટલું જ કહેશે કે આ શો ઘણો જ સારો છે. અસિત મોદી તથા તેમની પૂરી ટીમ ખુબ સારી છે. આ શોએ મને આગવી ઓળખ આપી છે. લોકો આજે પણ તેને સોઢીસાહેબ કહીને બોલાવે છે. તેના પિતાની સર્જરી થઈ હતી અને આ જ કારણે તેણે સતત પિતા સાથે રહેવાનું હતું.
આ સિવાય કેટલાક પારિવારિક ઇશ્યૂ પણ હતા અને તેને કારણે તેણે શો છોડવો પડ્યો હતો. જોકે, તેણે આ શોમાં પોતાનું બેસ્ટ આપ્યું છે અને તેને આ શો છોડવાનો કોઈ અફસોસ પણ નથી. તે બે મહિના માટે અમેરિકામાં હતો. અહીંયા નાના બાળકો પણ તેને સોઢી અંકલ કહીને બોલાવતા હતા. અનેક લોકો તેને મળીને કહે છે કે તમે નથી તો શોમાં મજા નથી આવતી. એવું લાગે છે કે તેની અનેક વર્ષોની મહેનત રંગ લાવી.
ગુરુચરણ થોડાં દિવસો પહેલા જ વરિષ્ઠ અભિનેત્રી સવિતા બજાજને મળ્યો હતો. સવિતા બજાજની આર્થિક સ્થિતિ હાલમાં સારી નથી. આજ તક સાથેની વાતચીતમાં ગુરુચરણે કહ્યું હતું કે સવિતાજીની હાલત જોઈને મને આઘાત લાગ્યો હતો. તેમને મળવા માટે તે ઉત્સુક હતો.
તેમને મળ્યા પછી મને લાગ્યું કે તેમની પાસે ફિલ્મનું અઢળક જ્ઞાન છે. તેમની સાથે વાત કરીને બહુ જ મજા આવી. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પાસ આઉટ છે. તેઓ 1968ની બેચના છે. તેમણે સત્યજીત રે સાથેની મુલાકાત અંગે પણ વાત કરી હતી. અનેક ગોલ્ડન મોમેન્ટ શેર કરી હતી. તેમને મળવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.
ગુરુચરણે કહ્યું હતું કે તેણે આ સિરિયલ છોડી તેને એક વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેણે આ દરમિયાન કામ પર નહીં પરંતુ પોતાના પર ધ્યાન આપ્યું છે. તે આધ્યાત્મિક રીતે આગળ વધ્યો છે. પોતાનામાં રહેલી ખામીઓ શોધી રહ્યો છે અને તેને દૂર કરવાનો પ્રયત્નો કરી રહી છે અને પોતાની શોધમાં જ વ્યસ્ત છે. તે પેરેન્ટ્સ માટે કંઈક કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક બ્રાન્ડ માટે ડિજિટલ ફિલ્મ શૂટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શ્રેયાંસ તળપડે તથા રોહિતાશ ગોડ છે.