નિદ્રાધીન બે નાની માસૂમ બહેનોને સર્પે ડંખ મારતા થયું નિધન, બે પુત્રીઓની અણધારી વિદાયથી પરિવારજ નો પર આભ તુટી પડ્યું..

ગીર સોમનાથ જિલ્લાના લામધાર ગામમાં સર્પ કરડવાના લીધે બે નાની માસૂમ બહેનોના મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિ દરમિયાન ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સર્પે ડંખ મારતા સવારના સમયે બંને બહેનોની તબીયત લથડી હતી. પરિવારજનો બંને બહેનોને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોકટરે સારવાર દરમિયાન મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. માસુમ દીકરીઓની અણધારી વિદાય થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
દીકરીઓ એટલે વ્હાલનો દરીયો પણ જ્યારે દીકરીઓની અણધારી વિદાય થાય ત્યારે ભલભલા લોકો ભાંગી જાય છે. આવી જ એક કરૂણ ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધાર ગામમાં રહેતા કોળી પરીવાર સાથે બની છે. લામધાર ગામમાં બસ સ્ટેશન પાસે રહેતા ભરતભાઈ રામભાઈ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી ચાર સંતાનો છે.
તેમની મોટી દીકરી નિધીબેન (ઉ.વ.13) તેમજ વાનિકા (ઉ.વ.10) ગતરાત્રીના પરીવારજનો સાથે જમ્યા પછી પોતાનાં રૂમમાં સુઈ ગઈ હતી. આ દરમિયાન મધરાત્રિએ અચાનક ઘરમાં આવી ચડેલ ક્રોક નામના ઝેરી સર્પે નિંદ્રા અવસ્થામાં રહેલ બંન્ને દીકરીઓને ડંખ મારી સાપ ધરના ખુણામાં છુપાઈ ગયો હતો.
જ્યારે વહેલી સવારે બંન્ને દીકરીઓની એકાએક તબીયત ખરાબ થતા ઉલ્ટી થવા લાગી હતી. જેથી તેમના પિતા ભરતભાઈ તુરંત સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પીટલે લઈ ગયા હતા. જ્યાં તબીબએ અને બંન્ને સગી બહેન મૃત હોવાનું અને સર્પે ડંખ મારતા મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા પિતા સહિતના પરિવારજનો ચોધાર આસુઓએ રડવા લાગ્યા હતા.
ભરતભાઈ બાંભણીયાના ઘરમાં શોધખોળ શરૂ કરતાં ક્રોક નામનો ચટાપટા ધરાવતો ઝેરી સાપ મળી આવ્યો. આ દરમિયાન બંન્ને બહેનોના મૃતદેહ પરિવારને અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવ્યા. બંન્ને દીકરીઓ ભણવામાં તેજસ્વી હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.