ભરૂચ જિલ્લામાં પહેલી વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, ત્રણ વ્યક્તિને મળ્યું નવું જીવન..

ભરૂચ જિલ્લામાં પહેલી વખત અંગદાન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ ત્રણ વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું છે.
આપણે ઘણી વાર અંગદાનએ મહાદાન નું સૂત્ર વાચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ ઔદ્યોગિક નગરી ગણાતી અંકલેશ્વરમાં પહેલી વખત આ સૂત્ર સાર્થક થયું છે. એના દ્વારા ત્રણ વ્યક્તિને નવ જીવન મળ્યું છે. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક લઈને પસાર થઈ રહ્યાં હતા.
આ દરમ્યાન રાયમાં ગામ નજીક પાસે માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આથી કાંતિભાઈની પ્રાથમિક સારવાર માટે હાંસોટ સરકારી દવાખાને લઈ જવામાં આપ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઇજાના લીધે હોસ્પિટલના ડોક્ટરોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને કિડની આપવામાં આવી
ડોક્ટરોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. જેમાં પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી. જેના લીધે સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા.
જ્યા જરૂરી તબીબી કામગીરી પૂર્ણ કરી કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા. તેઓની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવી હતી.
પરિવારના આ સારા કાર્યના લીધે 3 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું
અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના લીધે ત્રણ વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે. આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના ડોક્ટરોએ સારી એવી કામગીરી કરી હતી. તો પ્રજાપતિ પરિવારની પહેલના કારણે 3 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.