કાનપુરમાં એક ગોઝારા અકસ્માત દરમિયાન 17-17 લોકોના મોત, ઘાયલ એટલાં કે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી..

મંગળવારે ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં અંદાજિત 17 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સાથે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા નું જાણવા મળ્યું છે. જેમાંથી 16ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે.
તેમને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી છે. ઈજાગ્રસ્તોને લોડરની મદદથી જ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હાલ અનેક લોકો દબાય ગયા હોવાની માહિતી મળી રહી છે. જેમને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તેમણે દુર્ઘટનાની તપાસનો આદેશ પણ આપ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતના અમદાવાદ શહેર જઈ રહી હતી, જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસનનગર પહોંચી કે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન સામેથી આવતો ટેમ્પો વચ્ચે ફસાઈ ગયો અને આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોનાં મોત થયાં હોવાના સમાચાર મળ્યા છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાક લોકોનાં પણ મોત નીપજ્યાં છે.
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘાયલોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધું છે. આ ઉપરાંત લોડરમાં ભરીને અનેક મૃતદેહ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એક લોડરમાં 7-7 મૃતદેહ રાખીને કાનપુરમાં નજીક આવેલી હેલટ હોસ્પિટલ લઈ જવાયા હતા. આવા કરુણ દૃશ્યો જોઈને દરેક લોકો હલમચી ગયા હતા. આ ઉપરાંત હેલટ હોસ્પિટલ દ્વારા અલર્ટ જાહેર કરાયું છે. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફના લોકોને ઘરેથી પરત બોલાવવામાં આવ્યા છે.
દુર્ઘટનાની માહિતી મળતાં જ બસ અને ટેમ્પોમાં સવાર મુસાફરોના પરિવારના લોકો હેલટ હોસ્પિટલ પહોંચી ગયા છે. એક વૃદ્ધા મહિલા પોતાના પુત્રની લાશ સ્ટ્રેચર પર જોઈને બેભાન થઈ ગઈ હતી. વારંવાર વૃદ્ધા ડોકટરને પૂછતાં રહ્યાં કે મારો દીકરો ઠીક તો થઈ જશે ને. ડોકટરે કફન ઓઢાડ્યું તો વૃદ્ધા વારંવાર દીકરાના માથાને ચૂમતાં રહ્યાં. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ છલકાઈ ગઈ હતી.
ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માત દરમિયાન CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત તમામ મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવાની જાહેરાત કરી દીધી છે.